જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં નાગમતી આવાસમાં રહેતા અને ટિફિન સર્વિસ ચલાવતા યુવાને હાથ ઉછીના લીધેલા પૈસા પરત નહીં કરતાં ત્રણ શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે પિતા-પુત્ર ઉપર હુમલો કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની વિગત મુજબ, જામનગરના લાલવાડી પટેલ સમાજ પાસે આવેલ નાગમતી આવાસમાં એ વીંગમાં રૂમ નંબર 112 માં રહેતાં અને ટીફીન સર્વિસ ચલાવતા અશોકભાઈ સામજીભાઈ મકવાણા નામના આધેડના પુત્ર વિવેકે ઉપેન્દ્ર ખાણધર પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હતાં. જે ઉછીના પૈસા વિવેક ચૂકવી શકયો ન હતો. જેથી આ પૈસાની ઉઘરાણી મામલે ઉપેન્દ્ર અને નિરવ ઉર્ફે તોતો ભટી તથા અજાણ્યા પુરૂષ સહિતના ત્રણેય શખ્સોએ ઈકો કારમાં આવીને સોમવારે સાંજના સમયે વિવેકના ઘર પાસે આવી પૈસાની ઉઘરાણી કરી હતી અને ત્રણેય શખ્સોએ અશોકભાઈ ઉપર લોખંડના પાઈપ વડે અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ ગાળો કાઢી પગમાં માર મારી ઈજા પહોંચાડી હતી. ત્રણેય શખ્સોએ અશોકભાઈના પુત્ર વિવેક ઉપર પણ લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.