જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે કોર્પોરેટરનું કામ સંભાળતા સતવારા યુવાન ઉપર સાત શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે યુવાન ઉપર લાકડાના ધોકા વડે માર માર્યાની ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા વસંત વીરજીભાઈ કણઝારિયા નામનો યુવાન તેના ભાઈ યોગેશની પત્ની કોર્પોરેટર હોય જેનું કામકાજ વસંત સંભાળતો હતો. આ બાબતનો ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે અનિલ રણમલ ખવા, નીતિન ધનજી ચાવડા, નયન ભીમશી કરંગીયા અને પ્રકાશ સોની તથા ત્રણ અજાણ્યા સહિતના સાત શખ્સોએ વસંતના પિતાને ગાળો આપી, લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ વસંત ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં પિતા-પુત્રને ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પીએસઆઈ એમ.આર. ગોંડલિયા તથા સ્ટાફે સાત શખસો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જ્યારે સામા પક્ષે અનિલ રણમલ ખવા દ્વારા વીરજી ટપુભાઈ કણઝારિયા વિરૂધ્ધ માથામાં લાકડાનો ધોકો મારી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.