કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા એક આહીર યુવાન દ્વારા મુળ દાત્રાણા ગામના અને હાલ જામનગર ખાતે રહેતા શખ્સના કથિત અનૈતિક સંબંધો બાબતે પરિણીતાના પરિવારજનોને વાત કરતા આ અંગેનો ખાર રાખી, આરોપી શખ્સે અન્ય એક શખ્સને સાથે રાખીને બેફામ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા કરસનભાઈ મેરામણભાઈ માડમ નામના ચાલીસ વર્ષીય યુવાન દ્વારા મૂળ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના અને હાલ જામનગરના વિજયનગર ખાતે રહેતા કાનાભાઈ ચાવડા તથા પ્રવીણભાઈ આહીર નામના બે શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ મૂળ દાત્રાણા ગામ કાનાભાઈ ચાવડા કે જેઓ હાલ જામનગરમાં વિજયનગર ખાતે રહે છે, તેને ફરિયાદી કરસનભાઈ માડમના જામનગર ખાતે રહેતા એક સંબંધીની પત્ની સાથે કથિત આડાસંબંધ હોવાથી આ અંગેની જાણ ફરિયાદી કરસનભાઈ દ્વારા પરિણીતાના પતિને કરવામાં આવી હતી. આ બાબતે કરસનભાઈને અવારનવાર કાનાભાઈ સાથે બોલાચાલી થતી હતી.
આ દરમિયાન સોમવારે રાત્રીના આશરે સવા બે વાગ્યાના સમયે કાનાભાઈએ કરસનભાઈને ફોન કરી અને તે ભોગાત ગામના હાઈ-વે રોડ ઉપર આવ્યો હોવાનું જણાવીને કરસનભાઈને આ સ્થળે બોલાવતા ફરિયાદી કરસનભાઈ આ ગામના કરણભાઈ ગઢવીની કેબીન પાસે પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી ફોર વ્હીલર કારમાં આવીને ઉભેલા કાનાભાઈ તથા તેની સાથે આવેલા પ્રવીણભાઈ આહીર દ્વારા (કથિત) આડા સબંધ બાબતે બોલાચાલી કરી, ફરિયાદી કરસનભાઈને બિભત્સ ગાળો કાઢી, તેઓની સાથે લઈ આવેલા લોખંડના પાઇપ વડે બેફામ માર મારતા તેમને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પ્રથમ પોરબંદર બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને હાથ તથા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓની સારવાર આપવામાં આવી હતી.
આમ, કથિત આડા સંબંધ બાબતે બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કરસનભાઈ મેરામણભાઈ માડમની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૂળ દાત્રાણા ગામના અને હાલ જામનગર ખાતે રહેતા કાના ચાવડા તથા પ્રવીણ આહીર નામની વ્યક્તિ સામે આઈ.પી.સી. કલમ 323, 324, 325, 326, 504, 506 (2), 114 તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. સી.એચ. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.