જામનગર તાલુકાના હાપા વિસ્તારમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી આઠ શખ્સોએ સશસ્ત્ર હથિયારો વડે મકાનમાં ઘૂસી યુવાન દંપતી અને પ્રૌઢા ઉપર જીવલેણ હુમલો કરી ધમકી આપી મકાનમાં તોડફોડ કર્યાના બનાવમાં પોલીસે આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા રેલવે સ્ટેશન પાસે આવેલા ક્રિષ્ના ટાઉનશિપમાં રહેતા અને મજૂરીકામ કરતા રવિ અશોક મકવાણા નામના યુવાનના પિતા સાથે અગાઉની માથાકૂટનો ખાર રાખી સોમવારે રાત્રિના સમયે રાજશી આલા વીર, સોમરાજ નાગરાજ ચારણ, અમરા નાગરાજ ચારણ અને પાંચ અજાણ્યા સહિતના આઠ શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે રવિના મકાનમાં ઘૂસી ગયા હતાં અને રવિના માતા ઉપર લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો તેમજ રવિને મોઢામાં અને શરીરે મુંઢ માર માર્યો હતો તેમજ રવિની બહેન તેમજ પત્નીને નાની મોટી ઈજાઓ કરી હતી. ત્યારબાદ આ આઠ શખ્સોએ રવિને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી મકાનમાં તોડફોડ કરી નાશી ગયા હતાં.
હુમલામાં ઘવાયેલા ચાર વ્યકિતઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે રવિના નિવેદનના આધારે આઠ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.