જામનગર શહેરના રવિ પાર્ક વિસ્તારમાં ફરજમાં ગયેલા પોલીસકર્મીની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સો પૈકીના બે શખ્સો વિરૂધ્ધ રવિપાર્ક વિસ્તારમાં વેપારી યુવાનના વૃધ્ધ પિતાની હત્યા નિપજાવવાનો પ્રયાસ તથા અન્ય ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાની વધુ ચાર ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ, જામનગરના રવિપાર્ક વિસ્તારમાં પિતા-પુત્રએ પોલીસકર્મીની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાના બનાવ બાદ આ બંને શખ્સો વિરૂધ્ધ એક જ દિવસમાં જુદા જુદા ચાર સ્થળોએ હુમલો કર્યાના બનાવની ચાર પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ચાર ઘટનાઓમાં પ્રથમ ઘટના રવિ પાર્ક વિસ્તારમાં આવેલા રાધેકૃષ્ણ પતંજલિ સ્ટોર્સમાં મંગળવારે બપોરના સમયે કાના ભુતિયા અને સંજય ભુતિયા નામના બંને શખ્સોએ દુકાનમાં આવીને કાઉન્ટર ઉપર ધોકો પછાડી વેપારી અનુપ નેમચંદ ગોયલ નામના યુવાન ઉપર ધોકા વડે હુમલો કરતા વેપારી ખસી જતા બચી ગયો હતો. ત્યારબાદ ત્રણથી ચાર વખત ધોકો મારતા યુવાનને હાથમાં ઈજા પહોંચી હતી. યુવાન ઉપર હુમલો કરતા તેના પિતા નેમચંદભાઈ પુત્રને છોડાવવા વચ્ચે પડતા વૃદ્ધનું ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કરી પતાવી દેવાની ધમકી આપી વેપારીના મકાનની બારીનો કાચ તોડી નાખ્યો હતો. આ બનાવમાં વૃધ્ધની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધી પીએસઆઇ એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફે બંને શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, રવિ પાર્કમાં જ બન્યો હતો. જેમાં હરેશ વસતાભાઈ ડાંગર નામના આહિર યુવાને કાના ભુતિયા અને સંજય ભુતિયાએ અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કરતાં યુવાનના મિત્રો વચ્ચે પડતા મિત્રોને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્રીજો બનાવ, રાધે-ક્રિષ્ના સોસાયટીમાં રહેતા મયુરભાઈ નંદાણીયા નામના વેપારી યુવાન રવિ પાર્કમાં આવેલી તેની દુકાને હતો તે દરમિયાન કાના ભુતિયા અને સંજય ભુતિયા નામના બે શખ્સોએ આવીને બળજબરીથી દુકાનમાં પ્રવેશ કરી અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ બાજુમાં પાર્ક કરેલી મહિલાની ઈન્ડીગો કારમાં નુકસાન પહોંચાડયું હતું.
ચોથો બનાવ, રવિ પાર્ક વિસ્તારમાં રહેતાં પ્રદિપ ચંદ્રવાડિયા નામનો વિદ્યાર્થી તેના મિત્ર સાથે એકટીવા પર જતો હતો તે દરમિયાન સંજય કાના ભુતિયા અને કાના ભુતિયા નામના બે શખ્સોએ બંને વિદ્યાર્થીઓને આંતરીને અપશબ્દો બોલી એકટીવામાં ધોકાના ઘા ઝીંકી નુકસાન પહોંચાડયું હતું તેમજ પ્રદિપના મિત્રને ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. શહેરના રવિ પાર્ક વિસ્તારમાં તોડફોડ કરી ધાક જમાવતા કાના ભુતિયા અને તેનો પુત્ર સંજય ભુતિયા એક જ દિવસમાં જુદા જુદા ચાર સ્થળોએ માથાકૂટ કરી હુમલો કર્યાના બનાવની જુદી જુદી ચાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે હેકો એ.જે. સિંહલા તથા કે.પી. ઠાકરીયા તથા સ્ટાફે વધુ કાર્યવાહી આરંભી હતી.