જામનગર શહેરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા પ્રૌઢના પુત્રની એક વર્ષ પહેલાં હત્યા સંદર્ભે ચાલતા મનદુ:ખનો ખાર રાખી પ્રૌઢ ઉપર એક શખ્સે છરીનો ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગ શહેરમાં ગ્રીનસીટી શેરી નં.5 માં રહેતા યુવરાજસિંહ નામના યુવાનની એક વર્ષ પૂર્વે એટલે કે ગત તા.23 મે 2021 ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપી અને મૃતકના પિતા વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. આ મનદુ:ખનો ખાર રાખી મંગળવારે સાંજના સમયે ક્ધસ્ટ્રકશન મટીરિયલનો વ્યવસાય કરતાં મહોબતસંગ અભેસંગ જાડેજા (ઉ.વ.59) નામના પ્રૌઢ ઠેબા બાયપાસ પાસે આવેલી માલધારી હોટલ અને મોલ વચ્ચેના માર્ગ પર હતાં ત્યારે રામેશ્ર્વરનગરમાં રહેતાં પ્રદિપસિંહ રામસંગ સોઢા નામના શખ્સે મહોબતસંગ સાથે બોલાચાલી કરી જૂના મનદુ:ખનો ખાર રાખી મારી નાખવાના ઈરાદે છરીનો એક ઘા માથામાં તથા બન્ને હાથના અંગુઠામાં ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં બનાવની જાણ થતા પીએસઆઇ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ઘવાયેલા પ્રૌઢના નિવેદનના આધારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પ્રદિપસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.