જામનગર શહેરમાં જનતા ફાટક ચાર રસ્તા પાસેથી પસાર થતા યુવક સાથે સ્કુટર ચલાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા બે શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસે બે લુખ્ખા તત્વોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિના સમયે અકસ્માત કે બાઈક અથડાવા જેવી બાબતે શહેરીજનો પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ બનતી હોય છે અને અગાઉ પોલીસ દ્વારા આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કડક પગલાં લઇ અટકાવવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે રાત્રિના સમયે જનતા ફાટક પાસે આવેલા શાંતિનગરમાં રહેતો અને બ્રાસપાર્ટના કારખાનામાં નોકરી કરતો દિપેન પરેશભાઈ સાવલિયા નામનો પટેલ યુવક તેના બાઈક પર જનતા ફાટક ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યા એકસેસ સ્કૂટરચાલકોએ દિપેનને આંતરીને સ્કુટર ચલાવવા બાબતે જાહેર રોડ પર બોલાચાલી કરી એક શખ્સે પકડી રાખી અને બીજા શખ્સે નિર્દય રીતે યુવક ઉપર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં લોહી લુહાણ હાલતમાં ઘવાયેલા દિપેનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચી ગયો હતો. પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે હુમલામાં ઘવાયેલા યુવકના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી અને ગણતરીના સમયમાં જ બે શખ્સોની પૂછપરછ કરી હતી. નજીવી બાબતે કરાયેલા જીવલેણ હુમલાના બનાવમાં શહેરીજનોમા ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે અને પોલીસ દ્વારા આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.