જામનગર શહેરના વામ્બે આવાસની બાજુમાં રહેતાં યુવાન ઉપર ચાર શખ્સોએ તલવાર અને લોખંડના પાઈપના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી બાઇકમાં તોડફોડ કરી હત્યાના પ્રયાસના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા વામ્બે આવાસની બાજુમાં ત્રણ માળિયામાં રહેતાં નાગજીભાઈ કારૂભાઈ જડિયા (ઉ.વ.28) નામના યુવાને તેના બનાવેલા ભાણેજ ફુરખાન (ઉ.વ.6)ને લેવા જતો હતો ત્યારે યાસીન સુમરા, ટીટો, અમન સુમરા અને સદામ સુમરા નામના ચાર શખ્સોએ નાગજીને આબીદનો માણસ સમજીને તલવારના તથા લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર મારી યુવાનની બાઈકમાં તોડફોડ કરી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ કે.કે.નારિયા તથા સ્ટાફે યુવાનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.