સંસદનું ચોમાસુ સેશન 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. સત્ર દરમિયાન સંસદની બહાર દરરોજ 200 ખેડૂતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દેખાવો કરશે તેમ સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું છે. 40 ખેડૂત સંગઠનોના સંયુક્ત મોરચાએ બે દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર શરૂ થયાના બે દિવસ પહેલા સંસદમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે તમામ વિરોધ પક્ષના સાંસદોને ચેતવણી પત્ર આપવામાં આવશે. જેમાં ચોમાસુ સેશનનો ઉપયોગ ખેડૂત આંદોલનના સમર્થન માટે કરવામાં આવશે તેવો ઉલ્લેખ હશે.
ખેડૂતોના નેતા બલબીર સિંહ રાજેવાલે જણાવ્યું છે કે અમે 17 જુલાઇના રોજ વિરોધ પક્ષના સાંસદોને સંસદમાં કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવવા જણાવીશુ. સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ 40થી વધુ ખેડૂત સંગઠનો નવેમ્બર માસથી દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે સંસદનો ઘેરાવ કરશે.
કિસાન મોરચાએ 8 જુલાઈના રોજ પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસની વધી રહેલી કિંમત મુદ્દે દેશવ્યાપી વિરોધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ કિસાન મોરચાએ તમામ દેશવાસીઓને 7 જુલાઈએ વાહનોના હોર્ન વગાડવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું છે કે લોકો પોતાના LPG સિલેન્ડર સાથે પોતાના વાહન બસ, ટ્રેક્ટર-ટ્રોલી, કાર અથવા બાઈક જેવા તમામ વાહનો હાઈવેના કિનારે લાવે. ટ્રાફિક ન થવા દેશો અને વધતી મોંઘવારીનો વિરોધ કરવામાં આવે.