જામનગર જિલ્લામાં જમીન માપણીમાં ખામી હોઇ જમીન માપણી રદ કરવા માંગ સાથે જામજોધપુરના ખેડુતો દ્વારા બાઇકરેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો અને જમીન માપણી રદ કરવા માંગણી કરી હતી.
જામનગર જીલ્લામાં વર્ષ 2010/11 માં જે જમીન માપણી કરવામાં આવી હતી. તેમાં અસંખ્ય ભુલો કરી ખાનગી કંપનીઓએ તમામ નિયમો નેવે મુકી હવામાં ખોટી જમીન માપણી કરી ને ભાઇ-ભાઇ વચ્ચે, કુટુંબ-કુટુંબ વચ્ચે વેર ઉભા કરાવી દીધા છે. જેથી આ ખોટી જમીન માપણી ભુલ સુધારણાની હજારો અરજીઓ આજે પણ ડી.એલ.આર. કચેરીમાં પેન્ડીંગ છે. અનેક પ્રયત્નો કરવા છતાં અરજીઓનો નિકાલ ન આવતા સંપુર્ણપણે આ જમીન માપણી રદ થાય અને ખેડુતો આ કાયમી પ્રશ્ન નું નિરાકરણ લાવવા ના હેતુ થી ખેડૂત હીત રક્ષક સમિતિના નેજા હેઠળ જામજોધપુર તાલુકાના ખેડુતો દ્વારા આજરોજ સવારે શેઠવડાળા હાઇસ્કુલ પાસેથી જામનગર ડી.એલ.આર. કચેરી સુધી બાઈક રેલી યોજીને વિરોધ વ્યકત કર્યો હતો. આ રેલીમાં હેંમતભાઇ ખવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતાં.