કાલાવડ તાલુકાના મુરીલા ગામની સીમમાં આવેલા પ્રૌઢના કબ્જાવાળી જમીનમાં બે શખ્સોએ બળજબરીથી લાકડાના ધોકા સાથે પ્રવેશ કરી જમીનમાં વાવેલ લીમડાના ઝાડ કાપી સાડા ત્રણ લાખમાં વેંચી નાખી અને ખેડૂતને ખેતરમાં ન પ્રવેશવા માટે ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામના વતની અને હાલ રાજકોટમાં સુભમ પટેલનગર વિસ્તારમાં રહેતા હરસુખભાઈ ભાદાભાઈ અકબરી (ઉ.વ.55) નામના વેપારી પ્રૌઢની ખેતીની જમીન મુરીલા ગામના નવા સર્વે નંબર 1008 (જૂના સર્વે નંબર 155) વાળી જમીનમાં કાલાવડ તાલુકાના મછલીવાડ ગામના વનરાજસિંહ સુખદેવસિંહ જાડેજા અને શોભરાજસિંહ સુખદેવસિંહ જાડેજા નામના બે ભાઈઓએ લાકડાના ધોકા સાથે બળજબરીપૂર્વક ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી જમીનમાં વાવેલા મલાબાર લીમડાના ઝાડ કાપી નાખી અને રૂા.સાડા ત્રણ લાખમાં વેંચી નુકસાન કર્યુ હતું. તેમજ વેપારી પ્રૌઢને ખેતરની જમીનમાં પ્રવેશ ન કરવા માટે પતાવી દેવાની ધમકી આપી હતી. આ પ્રકરણાં પ્રૌઢે નોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.