જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતાં ખેડૂત પ્રૌઢ ઉપર શખ્સે બોલાચાલી કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ગોરધનપર ગામની સીમમાં રહેતાં અને ખેતી કરતા કાસમભાઇ દોસમામદ ખીરા નામના પ્રૌઢને ગુરૂવારે સાંજના સમયે તેના જ ગામના દિનેશ કાના બાંભવા નામના શખ્સે આંતરીને ‘તું દેવાભાઈ ભરવાડને નિશાળે આવવા નહીં દઉ’ તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી અને બોલાચાલી દરમિયાન લોખંડના પાઇપ વડે કપાળ ઉપર ઘા ઝીંકયો હતો અને હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એ.વી. સરવ્ તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.