જામજોધપુર તાલુકાના જામસખપુર ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતો શ્રમિક યુવાન કપાસના પાકમાં પાણી વારતો હતો તે દરમિયાન બાજુના સેઢા પર રાખેલા વાયરને અડી જતાં વીજશોકથી મોત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને વાડીના માલિક દ્વારા સરકારી ખરાબામાં બાવળની ઝાડીઓમાં ફેંકી દીધાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખંઢેરા ગામના વતની અને જામજોધપુર તાલુકાના જામસખપુર ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતો છગનભાઈ નાનકીયાભાઈ ઉર્ફે નાનસીંગ દેવડા (ઉ.વ.30) નામનો શ્રમિક યુવાન ગત સપ્ટેમ્બર માસમાં રાત્રિના સમયે ખેતરના કપાસના પાકમાં પાણી વારવા જતો હતો તે દરમિયાન પાણીની બાજુના સેઢા પર રાખેલા વાયરને અડી જતા વીજશોક લાગતા મોત નિપજ્યું હતું. વાડીના સેઢે રાખેલા વાયરના વીજશોકથી મોત નિપજતા શ્રમિક યુવાનના મૃતદેહને વાડી માલિક ખીમા જગા રાડા નામના શખ્સે મૃતદેહને સ્થળ પરથી ઉપાડી બાજુમાં આવેલા સરકારી ખરાબાના બાવળની ઝાળીઓમાં ફેંકી દઇ પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. મૃતકના પત્ની મીનાબેન દ્વારા આ અંગેની પોલીસ ફરિયાદ બાદ પીઆઈ વાય.જે.વાઘેલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસના અંતે વાડી માલિક ખીમા વિરૂધ્ધ પૂરાવાનો નાશ કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.