કાલાવડ તાલુકાના જીવાપર ગામની સીમમાં આવેલા ખેતરમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના જીવાપર ગામની સીમમાં અતુલભાઈ પટેલના ખેતરમાં મજૂરી કામ કરતા શખ્સ દ્વારા દારૂનું વેંચાણ કરાતું હોવાની હેકો શોભરાજસિંહ જાડેજા, પો.કો. ઉદયસિંહ સિંધવને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.બી.ડાભી, પીએસઆઈ જે.એસ. ગોવાણી, એએસઆઈ મયુરસિંહ પરમાર, હેકો શોભરાજસિંહ જાડેજા, પો.કો. ઉદયસિંહ સિંધવ, ગૌતમભાઈ ચાવડા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ખેતરમાં તલાસી લેતા તેમાં રૂા.36500 ની જુદી જુદી બનાવટની ઈંગ્લીશ દારૂની 89 બોટલ મળી આવતા પોલીસે ખેતમજૂર કૈલાશ વેસ્તા મસાણિયા નામના શખ્સને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાંથી પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન જીવા ગોરડીયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.7000 ની કિંમતનો ઈંગ્લીશ દારૂની 14 બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી ધરપકડ કરી હતી. તેમજ જામનગરના હવાઈ ચોક વિસ્તારમાંથી પસાર થતા પ્રિન્સ નીતિન ફલિયા નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા રૂા.500 ની બોટલ કબ્જે કરી ધરપકડ કરી હતી. જામનગરના હર્ષદમીલની ચાલી પાસેન વિસ્તારમાંથી પસાર થતા રાજુ કાના હુણને આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.1000 ની દારૂની બે બોટલ મળી આવતા સિટી એ ડીવીઝને ધરપકડ કરી હતી. જામનગરના જડેશ્ર્વર ચોકડીથી મયુર ગ્રીન્સ તરફ જવાના માર્ગ પરથી સીટી એ પોલીસે મિતેશ અશ્ર્વિન ભાલિયાને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા દબોચી લીધો હતો. જામનગરના ખંભાળિયા ગેઈટ પાસેથી પસાર થતા દિવ્યેશ રૂપડીયા નામના શખ્સ પાસેથી રૂા.100 ની કિંમતનું બીયરનું ટીન મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.