Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતવિદાય લેતા ચોમાસાનો કહેર, દક્ષિણ ગુજરાત ધમરોળાયું

વિદાય લેતા ચોમાસાનો કહેર, દક્ષિણ ગુજરાત ધમરોળાયું

ગુલાબ વાવાઝોડાની અસર હેઠળ મિની વાવાઝોડા જેવી સ્થિતિ : રાજયના છ જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યેલો એલર્ટ : દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રનો વારો : વલસાડ, ડાંગ, સુરત, નવસારી જિલ્લાઓમાં સાંબેલાધાર10 ઇંચ સુધીનો વરસાદ

- Advertisement -

ગુલાબ વાવાઝોડાની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધાર વરસાદ વરસ્યો. ડાંગ, વલસાડ, સુરત, નવસારી જિલ્લાઓમાં દસ ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ વરસતાં ચોમાસાના અંતિમ ભાગમાં અહીં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. દક્ષિણ ગુજરાત બાદ બે દિવસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. રાજય પર સર્જાયેલા સાયકલોનિક સરકયુલેશનને કારણે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડામાં 6.8 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડમાં પણ 6.4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે મધુબન ડેમના 7 દરવાજા રાત્રે 1 વાગ્યે ખોલવામાં આવ્યાં છે. જ્યારે કપરાડાના બૂરલા ગામે કોલક નદી ઉપર બનાવેલો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં ચારથી પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે.

’ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઉધના નવસારી રોડ,એસ.ટી.ડેપો નજીક બીઆરટીએસ માર્ગ ગરકાવ,સર્વિસ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં. સાથે જ ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ઉકાઇ ડેમમાંથી બુધવારે સવારે આઠ વાગ્યે 341.06 ફૂટ નોંધાઈ છે. 1.90 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેચમેન્ટમાં ધોધમાર વરસાદથી ડેમમાં 2.95 લાખ ક્યુસેક પાણી ઠલવાયું હતું. ડેમનું પાણી તાપીમાં ઠલવાતા તેની સીધી અસર શહેરના કોઝ-વે પર થઈ હતી. કોઝવેની સપાટી 9.07 મીટરે પહોંચી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે ખાબકેલા વરસાદને લીધે રાજ્યમાં વાહનવ્યવહારને મોટી અસર પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ચાર સ્ટેટ હાઈવે,138 પંચાયતના માર્ગો મળીને કુલ 142 રસ્તાઓ બંધ થયાં છે. છેલ્લા 24 કલાકમાં સુરત, નર્મદા, વલસાડ, અમદાવાદ, આણંદ, તાપી, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 100 મિ.મી કરતાં વધુ વરસાદ થયો છે. ઉમરપાડામાં 218 મિમી અને પલસાણામાં 192 મિમી વરસાદ થતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular