જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર, કવિ ખલીલ ધનતેજવીનું રવિવારે વહેલી સવારે 86 વર્ષની ઉંમરે અવસાન થયું છે. સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને ત્યાર બાદ ગુજરાતી સાહિત્ય જગતનો તેજસ્વી તારલો ખરી પડ્યો હતો. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં એક કદી ન પુરાય તેવી ખોટ પડી છે.
ખલીલ ધનતેજવીએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું આ સમાચાર મળતા જ અનેક સાહિત્યપ્રેમીઓની આંખો ભીંજાઈ ગઈ છે અને તેમના ગળે ડૂમો બાઝ્યો છે. તેમનું સાચુ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું અને તેમનો જન્મ 12 ડિસેમ્બર, 1935ના રોજ વડોદરાના ધનતેજ ગામમાં થયો હતો. ગામના નામ પરથી તેમણે ધનતેજવી અટક રાખી હતી.
સાહિત્ય ઉપરાંત તેઓ પત્રકારત્વ સાથે પણ વર્ષો સુધી સંકળાયેલા હતા. તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. ખલીલભાઈએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા.
2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો. એ પહેલાં 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. 2003માં તેમને કલાપી પુરસ્કાર પણ અપાયો હતો.
*તેમના જાણીતા શેર*
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ના હોવાથી