જામનગર શહેરના મચ્છરનગર પાછળ આવેલા પુનિતનગર વિસ્તારમાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ સામસામા હુમલા કરવામાં આવ્યા હતાં. જેમાં યુવાન ઉપર મહિલા સહિત બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે મહિલાને અપશબ્દો બોલી તેની પુત્રીને ધકો મારી પછાડી દઇ ઈંટોના ઘા કરી દરવાજાની ઝાળી તોડી નાખ્યાની સામસામી ફરિયાદ નોંધી પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના મચ્છરનગર પાછળ આવેલા પુનિતનગર શેરી નં.2 માં રહેતા યુવરાજસિંહ અજીતસિંહ પરમાર નામના યુવાનને શનિવારે સાંજના સમયે જયરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાએ આંતરીને ‘તું બે દિવસ પહેલાં શું બોલાચાલી કરતો હતો ? અને મારા પિતાના ઘર બહાર શું કામ દિવાલ બનાવી છે ?’ તેમ કહી જયરાજસિંહ એ તેમની માતા શોભનાબાને બોલાવીને બંનેએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી વડે કપાળના ભાગે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે યુવરાજસિંહ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે માતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જ્યારે સામાપક્ષે પૃથ્વીરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના યુવકને યુવરાજસિંહ અજીતસિંહ પરમાર તથા રાજેન્દ્રસિંહ અજીતસિંહ પરમાર, સરોજબા, અશોકબા સહિતના ચાર શખ્સો ઢીકાપાટુનો માર મારતાં હતાં તે દરમિયાન પૃથ્વીરાજસિંહના માતા શોભનાબા તેની પુત્રી કોમલબા સાથે આવીને પૃથ્વીરાજસિંહને છોડાવવા ગયા ત્યારે કોમલબાને ધકો મારી નીચે પછાડી દીધા હતાં તેમજ મહિલા ઉપર ઈંટ વડે હુમલો કરવા જતા ઈંટ દરવાજાની ઝાળીમાં લાગતા ઝાળી તૂટી ગઈ હતી તેમજ બે મહિલા સહિતના ચાર શખ્સોએ અપશબ્દો બોલી રૂમના બારણા અને બારીઓમાં ઈંટોના ઘા મારી કાચ તોડી નાખ્યા હતાં. તેમજ સામાપક્ષે શોભનાબા દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે બે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.