જામનગર તાલુકાના બેડ ગામમાં બોલાચાલીનો ખાર રાખી સાત શખ્સોએ યુવાન ઉપર તલવાર અને છરી તથા પાઈપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. સામા પક્ષે ચાર શખ્સો દ્વારા છરી અને પાઈપ હુમલો કરાયાની ઘટનામાં ચારથી વધુ લોકો ઘવાતા પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધીને તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામમાં રસૂલનગર વિસ્તારમાં ખાલીદ અબ્બાસ વાઘેર નામના યુવાનના પિતા અને હુશેન કુંગડાને ગુરૂવારે થયેલી બોલાચાલીનો ખાર રાખી ખાલીદને આંતરીને હુશેન કુંગડા, કરીમ કેરેચા, ઉમર કુંગડા, કાસમ અબ્બાસ કેરેચા, નુરમામદ કેરેચા, સબીર ઈબ્રાહીમ, ઈમરાન કેરેચા સહિતના સાત શખ્સોએ શુક્રવારે સાંજના સમયે ખાલીદ ઉપર તલવાર અને છરી તથા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં હુશેનને બચાવવા વચ્ચે પડેલા વ્યકિત ઉપર પણ હુમલો કર્યો હતો. જ્યારે સામા પક્ષે ખાલીદ અબ્બાસ બેલાઈ, અબ્બાસ બેલાઈ, જાફર અબ્બાસ બેલાઈ, સીદીક અબ્બાસ બેલાઈ નામના ચાર શખ્સોએ એકસંપ કરી હુશેન કુંગડા ઉપર પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. બંને પક્ષ દ્વારા કરાયેલા સામસામા હુમલામાં ચારથી વધુ વ્યકિત ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો સી.ડી.ગાંભવા તથા સ્ટાફે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.