ખંભાળિયા તાલુકાના અગાઉ સંવેદનશીલ ગણાતા સલાયા ગામે ગુરુવારે રાત્રે તાજિયાના જુલૂસ કાઢવામાં બાબતે પોલીસ સાથે દંગલ કરી સ્થાનિક શખ્સો દ્વારા પોલીસની જીપનો કચ્ચરઘાણ કરવા ઉપરાંત પોલીસ કર્મચારીઓની મોટરસાયકલોનો કડૂસલો બોલાવી દીધાનો અતિ ચકચારી બનાવ બનવા પામ્યો છે હતો.
ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલાર પંથકમાં ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણ સંદર્ભે સ્થાનિક પી.આઈ.ની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસ મથકમાં પંદર શખ્સો સામે નામજોગ મળી કુલ પાંચ હજાર લોકોના ટોળા સામે રાયોટીંગ, લૂંટ, ફરજમાં રૂકાવટ, સહિતની ગંભીર કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ એસ.ઓ.જી. વિભાગને સોંપવામાં આવી છે. આ બનાવ બાદ આરોપીઓ ભોંભીતર થઈ ગયા હતા.
આના અનુસંધાને જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની રાહબરી હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ દંગલ બાદ જિલ્લા પોલીસને કાયદો અને વ્યવસ્થા સ્થાપિત કરવામાં સફળતા મળી છે અને જનજીવન થાળે પડયું છે. આ બનાવ બાદ નાના એવા સલાયા ગામમાં પોલીસની વિશાળ કુમક બંદોબસ્ત હેઠળ મૂકવામાં આવી છે. જેમાં આરોપીઓને પકડી પાડવા ચેકપોસ્ટ તથા સધન ચેકિંગ, તપાસ પણ કરવામાં આવી રહી છે.
બીન આધારભૂત રીતે જાણવા મળતી વિગત મુજબ આ પ્રકરણમાં પોલીસ દ્વારા કેટલાક શખ્સોની પુછપરછ પણ કરવામાં આવી હતી. અને આરોપીઓ નજીકના ભવિષ્યમાં ઝડપાઈ જાય તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ પ્રકરણમાં આગામી સમયમાં કેટલા કડાકા ભડાકા થાય તો પણ નવાઈ નહીં.
સલાયામાં નાસી છુટેલા શખ્સોની પોલીસ દ્વારા વ્યાપક શોધખોળ
તોફાનીઓ આગામી સમયમાં ઝડપાઈ જવાની શક્યતા