કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો. ઉપરથી લોકો અત્યારે ઓક્સિજનની અછતનો સામનો કર રહ્યા છે. ઇરાક પણ તેમાંથી બાકાત નથી. ત્યારે ઇરાકના એક કોરોના હોસ્પિટલમાં ઓક્સિજન ટેંકમાં થયેલા વિસ્ફોટના કારણે 82 લોકોના મોત થયા છે. તો આ દુર્ઘટનામાં 110 કરતા વધારે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઇરાકના આંતરિક મંત્રાલયના જણાવ્યા પ્રમાણે રાજધાની બગદાદના ઇબ્ન ખતીબ કોરોના હોસ્પિટલમાં ઓક્સિજન ટેંકમાં ભીષણ વિસ્ફોટ થયો છે. જેના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 82 લોકોના મોત થયા છે. આ ઘટનાની પુષ્ટિ સ્થાનિક મીડિયા અને મંત્રીઓ દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલના અધિકારીઓની લાપરવાહીના કારણે આ વિસ્ફોટ થયો અને ત્યાં આગ લાગી ગઇ. ઇબ્ન અલ ખતીબ હોસ્પિટલના કોરોના વોર્ડમાં આ વિસ્ફોટ થયો છે. ઇરાકના વડાપ્રધાને આ ઘટના માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કર્યા છે. કોવિડ હોસ્પિટલમાં જ્યારે આ ઘટના બની ત્યારે કોરોના વાયરસના ગંભીર 28 દર્દીઓ વેંટિલેટર પર હતા.