માર્ગ અને પરિવહન મંત્રાલયના નવા નોટિફિકેશન પ્રમાણે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકની વેલિડિટી વધારીને 30મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમની વેલિડિટી 15મી જૂને પૂરી થઈ હતી તેમને રાહત મળશે.
ડ્રાઈવિંગ લાયસન્સ અને આરબી બુક રિન્યુ કરવાની સમયમર્યાદા જેમને પૂરી થઈ હતી તેમને વધારે સમય આપવામાં આવ્યો છે. મોટર વ્હિકલ ડોક્યુમેન્ટ માટે વેલિડિટી વધારીને 30મી સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. માર્ગ અને પરિવહન મંત્રાલયના નોટિફિકેશનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વેલિડિટી વધારાઈ હતી. અગાઉ 1લી ફેબુ્રઆરીએ જે દસ્તાવેજોની વેલિડિટી પૂરી થઈ હતી તેમને જૂન માસ સુધી છૂટછાટ આપવામાં આવી હતી. ડ્રાઈવિંગ લાયસન્સ ઉપરાંત આરસી બુક, ફિટનેસ પરમિશન અને તે સિવાયના ડ્રાઈવિંગ અને વાહનને લગતાં દસ્તાવેજોની વેલિડિટી હવે 30મી સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિફિકેશન જારી કરીને તેનો અમલ કરવાની સૂચના આપી હતી. અગાઉ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે 30, માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27મી ડિસેમ્બર 2020 અને 26મી માર્ચ 2021ના રોજ નોટિફિકેશન જારી કરીને વાહન-ડ્રાઈવિંગને લગતા દસ્તાવેજોની એક્સપાયરી ડેટ વધારવાની જાહેરાત કરી હતી.
દરમિયાન વાહન અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) સર્ટિફિકેટમાં સમાનતા લાવવાનો આદેશ પણ આપ્યો હતો. હવે દેશમાં એક સરખાં પીયુસી સર્ટિફિકેટ બનાવવામાં આવશે. તમામ પીયુસી સર્ટિફિકેટને નેશનલ રજિસ્ટર સાથે જોડવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે પીયુસીં સર્ટિફિકેટનું ફોર્મેટ એક સરખું રાખવું પડશે. પીયુસી સર્ટિફિકેટમાં એક ક્યૂઆર કોડ છપાશે, જેમાં વાહનધારકનું નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, વાહન નંબર, એન્જિન નંબર અને ચેસીસ નંબરનો સમાવેશ કરવામાં આવશે. પીયુસીમાં ખાસ વાહન માટે વિશષ નોંધ કરવાની સગવડ પણ આપવામાં આવશે.