ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના 2018-19 અને 2019-20 એમ બે નાણાકીય વર્ષના અહેવાલો વિધાનસભામાં ગત અઠવાડિયે રજૂ થયા છે. જેમાં બે વર્ષમાં રૂા.784.5 લાખનો માતબર ખર્ચ બતાવવામાં તો આવ્યો છે, પણ જંગી રકમ કયાં કયાં વાપરી તેનો કોઇ હિસાબ નથી. આ બંને અહેવાલો કુલ 75 પાનાંના છે, જે પૈકી 50 પાનાં એટલે કે 66 ટકા પાનાં તાયફા-મેળાવડાના ફોટાથી ભરી દેવાયા છે, જે ઉપરથી લાગે છે કે, આઠ કરોડ જેવી મોટી રકમ તાયફાઓ પાછળ જ ખર્ચાઇ છે.
રાજય સરકારે આ ઉકત બે વર્ષમાં ફાળેલી રકમ પૈકી આયોગે વણવપરાયેલા રૂા.391.5 લાખ પરત જમા કરાવી દીધા છે.
અધ્યક્ષા જાગૃતિબહેન હરેન પંડયાની આગવાની હેઠળના આ આયોગમાં કુલ 08 અધિકારી-કર્મચારીનું મંજૂર મહેકમ છે, જે પૈકી નાયબ સચિવ, સેકશન અધિકારી અને નાયબ હિસાબનીશ એમ ત્રણ જગ્યાઓ અત્યારે ખાલી છે. આયોગ દ્વારા તેની કામગીરી માહિતી આપતી વેબસાઇટ તથા ઓનલાઇન ફરિયાદ માટે માસૂમ મોબાઇલ એપ બનાવાઇ છે.