સાતમા અને અંતિમ તબક્કાની 54 બેઠક માટે આજે મતદાન યોજાઇ રહ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ જુદી જુદી એજન્સીઓ અને ટીવી ચેનલો દ્વારા કરવામાં આવેલા એક્ઝિટપોલના પરિણામો પણ સાંજથી જાહેર થવા લાગશે. ત્યારે સમગ્ર દેશ અને રાજકીય પંડિતોની નજર ઉત્તરપ્રદેશના પરિણામ પર મંડાઇ છે. આ ચૂંટણીને આગામી લોકસભાના ટ્રેલર સમાન માનવામાં આવી રહી છે. ચૂંટણીના પરિણામો આગામી સમયમાં યોજાનારી ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાનની ચૂંટણીઓ પર પ્રભાવકારી રહેશે.
દેશમાં મધર ઓફ ઓલ ઈલેકશન જેવી બની ગયેલી 2022ની ઉતરપ્રદેશ સહિતની પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીમાં આજે સાતમા અને આખરી તબકકામાં ઉતરપ્રદેશની 54 ધારાસભા બેઠક પર મતદાન સાથેના પરિણામનો સસ્પેન્સ વધવા લાગશે અને તે પુર્ણાહુતિ સાથે વિવિધ ચેનલો- ન્યુઝ એજન્સીના એકઝીટ પોલનો રોમાંચ પણ છવાઈ જશે. પાંચ રાજયોની ધારાસભા ચૂંટણી એ 2024ની લોકસભા ચૂંટણી પુર્વેનું ટ્રેલર અને આ વર્ષના અંતે યોજાનારો ગુજરાત-હિમાચલ પ્રદેશની ચૂંટણી અને આગામી વર્ષની મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક વિ. મહત્વના રાજયોની ચૂંટણી પર પ્રભાવ પાડનારી બની રહેશે.
ખાસ કરીને ભાજપ જે પાંચ રાજયોમાં ઉતરપ્રદેશ, ગોવા, ઉતરાખંડ અને મણીપુરમાં સતા પર છે તે જાળવી શકશે તો તેના માટે સૌથી મોટો વિજય ગણાવાશે અને પંજાબમાં ભાજપ ગત ચૂંટણી કરતા સારા દેખાવની અને પાતળા વિજયની પણ અપેક્ષા રાખે છે. ખાસ કરીને ઉતરપ્રદેશ જયારે 2014-2019ની લોકસભા અને 2017ની ધારાસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો હતો તે સ્થિતિ જાળવી રાખવાનો જ સંદર્ભ છે અને અગાઉ કરતા અલગ રીતે રાજયમાં સમાજવાદી પક્ષ તરફથી આ ચૂંટણી ભાજપને સૌથી મોટો પડકાર મળ્યો છે તથા ભાજપ 2017 કરતા બેઠકો ગુમાવીને પણ સતા જાળવી રાખે તો પણ તેનો ‘વિજય’ ગણાશે તેવું રાજકીય મંતવ્ય છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર તબકકામાં તેમની અને ભાજપની તમામ તાકાત યુપીમાં કામે લગાડી છે અને ખુદ તેમના મતક્ષેત્ર વારાણસીમાં છેલ્લા તબકકા પુર્વેની યુદ્ધભૂમિ બની ગઈ હતી.
આજે સાંજે 6 વાગ્યે મતદાન સંપન્ન થતા જ એકઝીટ પોલથી પરિણામોનો સસ્પેન્સ વધશે. ગોવા, પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ બન્નેને મોટો પડકાર આપ્યો છે. ઉતરાખંડમાં ભાજપ-કોંગ્રેસની સીધી લડાઈ છે અને મણીપુરમાં ભાજપ પ્રાદેશિક નેતાઓ અને પક્ષપલટાથી બનાવેલા ભાજપની તાકાત પર નિર્ભર છે. દેશમાં ભાજપના કેન્દ્રમાં એકચક્રી શાસન સામે રાજયમાં તેને જે પડકાર મળ્યા છે તે યથાવત રહેશે કે ભાજપ વળતો પ્રહાર કરશે તેના પર સૌની નજર છે.