ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધો તથા ગંગા સ્વરૂપા બહેનો માટે અલગ અલગ પ્રકારની 4 આર્થિક સહાય યોજનાઓ અમલમાં છે. આ વિવિધ યોજનાઓ અંતર્ગત 100% સિદ્ધિ હાંસલ કરવા માટે આ અઠવાડિયામાં રાજ્ય સરકાર દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં, નજીકની સસ્તા અનાજની કોઈપણ દુકાને નાગરિકોને ગંગા સ્વરૂપા યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તેમજ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાના લાભો ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત, અરજદારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, મામલતદાર આવકનો દાખલો, રાશનકાર્ડ, આધારકાર્ડ, રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ (સિંગલ ખાતું હોવું જોઈએ) પતિના અવસાનનો દાખલો તથા અરજદારે પુન: લગ્ન નથી કર્યા, તેવું રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝડ કરીને રજૂ કરવાનું રહેશે. આ યોજના હેઠળ, અરજદારને માસિક સહાય રૂ.1250 આપવામાં આવશે.
‘ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ સહાય યોજના’ હેઠળ અરજદારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, મનપાનું બીપીએલ કાર્ડ, રાશનકાર્ડ, આધારકાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ, (સિંગલ ખાતું હોવું જોઈએ) તેમજ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા સિવિલ સર્જનનું ઉંમરનું પ્રમાણપત્ર દર્શાવવાનું રહેશે. આ યોજના અંતર્ગત, લાભાર્થીઓને માસિક સહાય રૂ.1000 આપવામાં આવે છે.
‘નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય યોજના’ હેઠળ અરજદાર માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો, મામલતદાર આવકનો દાખલો, રાશનકાર્ડ, આધારકાર્ડ, રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ, (સિંગલ ખાતું હોવું જોઈએ) જન્મતારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જમા કરાવવાનું રહશે. આ સહાય અંતર્ગત, લાભાર્થીઓને રૂ.1000 આપવામાં આવે છે.
તેમજ ’રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના’ હેઠળ, અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, રાશનકાર્ડ, આધારકાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ (સિંગલ ખાતું હોવું જોઈએ), પતિના અવસાનનો દાખલો, મૃતક વ્યક્તિની ઉંમરનો પુરાવો, જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મનપાની બીપીએલ કાર્ડની નકલ દર્શાવવાની રહેશે. આ યોજના હેઠા લાભાર્થીઓને એક વખત રૂ.20000ની સહાય આપવામાં આવે છે.
આ 4 વિવિધ યોજનાઓ હેઠળ, જો કોઈ લાભાર્થીઓ સહાય મેળવી નથી શક્યા તો, આગામી તા. 25/05/2022થી 04/06/2022 દરમિયાન તાત્કાલિક પણે નજીકની સસ્તા અનાજની દુકાનો પર સાંજે 6:00થી 9:00 કલાક દરમિયાન તમામ પુરાવાઓ સાથે હાજર રહેવા શહેર મામલતદાર દ્વારા અપીલ કરાઈ છે.