જામનગરના ગુજસીટોક પ્રકરણના જેલમાં રહેલા પૂર્વ પોલીસકર્મચારીના વચગાળાના જામીન અદાલતે મંજૂર કર્યા છે. આ પ્રકરણમાં પોલીસે કોર્પોરેટર અને પોલીસકર્મી સહિત 14 થી વધુ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, ગુજસીટોક પ્રકરણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને જામનગરમાં આશરે એક વર્ષ પૂર્વે કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ગુન્હાહિત નેટવર્કને નાબુદ કરવા પોલીસે સ્પેશ્યલ ટીમ ઉતારી હતી. પોલીસે જમીન માફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે ગુજસીટોક કાયદા મુજબની ફરિયાદમાં જયેશ પટેલે જામનગર બહાર રહી હત્યા, હત્યા પ્રયાસ, ખંડણી ઉઘરાવવી સહિતના ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરી શહેરની પ્રજા અને પોલીસને નાકે દમ લઇ આવી દીધો હોવાનો આરોપ મુકાયો હતો. પોલીસે જયેશ પટેલ ઉપરાંત તત્કાલીન ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહીર, બિલ્ડર નિલેશ ટોલિયા સહિત 14થી વધુ આરોપીઓ સામે ગુજસીટોક ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં વકીલ વસંત માનસાતા સહીતનો હાલ જેલમાં છે. બીજી તરફ આ પ્રકરણમાં પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. જયારે જયેશ સહિતના ચાર આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસે હાલમાં વધુ બે હજાર પેજનું પુરવણી ચાર્જ સીટ કોર્ટમાં રજુ કર્યું છે.
આ પ્રકરણમાં જેલમાં રહેલ વસરામ આહીરે વકીલ મારફતે અદાલતમાં કરેલી વચગાળાના જમીન અરજીની સુનાવણીમાં કોર્ટે વસરામભાઈના 15 દિવસના વચગાળાના જામીન મજુર કર્યા છે. આજથી તા. 2/2/22 થી જમીન મંજુર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વસરામભાઈના માતાનું નિધન થતા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે ગ્રાહ્ય રાખવામાં આવી છે. 15 દિવસના મંજુર થયેલ જામીન દરમિયાન બે પીએસાઈ સહિતનો જાપ્તો વસરામભાઈની દેખરેખ હેઠળ રહેશે. વશરામભાઈ તરફે વકીલ વી એચ કનારા અને વીએસ ખીમાણીયા રોકાયા છે.