ગુજરાતમાં તો કોરોના વાયરસનો બીજો ડોઝ લીધા બાદ એક વ્યક્તિને ફરી કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ગાંધીનગરના સીએમઓ ડૉક્ટર એમએચ સોલંકીએ આ જાણકારી આપી છે. વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થનાર વ્યક્તિ સ્વાસ્થ્યકર્મી છે.
ડૉક્ટર સોલંકીએ આ મામલે જણાવ્યું હતું કે, ગાંધીનગર જીલ્લાના દેહગામ તાલુકાના રહેવાસી સ્વાસ્થ્યકર્મીએ કોરોનાની રસીનો પહેલો ડૉઝ 16 જાન્યુઆરીએ લીધો હતો અને બીજો 15 ફેબ્રુઆરીએ. ત્યાર બાદ તેને તાવ આવી ગયો હતો. ઉપરાંત આ દર્દીને કોરોનાના લક્ષણો પણ હતા જેની તપાસ કરતા તે સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો.
સીએમઓએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યકર્મીમે કોરોનાના લક્ષણો સાવ નજીવા હોવાના કારણે તેને ઘરમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તે સોમવારે કામ કરવાની સ્થિતિમાં આવી જશે. સંક્રમણ કેમ ફેલાયુ તે બાબતે ડોક્ટર સોલંકીએ કહ્યું હતું કે, કોરોનાની વેક્સીનના બંને ડૉઝ લીધા બાદ શરીરમાં એંટીબોડી વિકસીત થવામાં સામાન્ય રીતે 45 દિવસનો સમય લાગે છે.