સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાના આરે છે. ત્યારે લાંબા સમયના પડતર પ્રશ્ર્નો અંગે રાજ્ય સરકારના જવાબદાર મંત્રીઓ સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો તથા આ અંગે ઉકેલ માટે તેમના દ્વારા આપવામાં આવેલી ખાતરી પછી પણ લાંબા સમયથી યોગ્ય નિરાકરણ ન થતા શિક્ષકોના મહત્વના આઠ પ્રશ્ર્નો એવા પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ, બે વર્ગ વાળી શાળાઓમાં આચાર્ય સહિત ચારનું મહેકમ જેવા અનેક મહત્વના પડતર પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ કે જેમાં રાજ્યના આચાર્યો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો, ટ્રસ્ટીઓ, સંચાલકો તથા બિન શૈક્ષણિક સંઘો જોયેલા છે, તેમણે આદેશ બહાર પાડીને કોઈએ મધ્યસ્થ મૂલ્યાંકન પેપરો તપાસવાની કામગીરીના ઓર્ડરો ન લેવા તથા કામગીરીનો બહિષ્કાર કરવા જણાવતા ભારે ચર્ચા જાગી છે.
પરીક્ષાના પેપરો તપાસવા મધ્યસ્થ મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ થવાની છે. ત્યારે રાજ્ય શૈક્ષણીક સંઘ સંકલન સમિતિનું આ આંદોલન પરિણામો પર ભારે અસર કર્તા થાય તેવી પરિસ્થિતિ વચ્ચે સમગ્ર રાજ્યમાં ચકચાર પ્રસરી છે.