ધ વાયરે મંગળવારે નવો ધડાકો કરતાં જણાવ્યું હતું કે, 2019માં કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકારનું પતન થયું અને યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાઇ ત્યારે જેડીએસ અને કોંગ્રેસ સરકારના ફોન પેગાસસ સ્પાયવેરના લક્ષ્યાંક હતાં. વાયરે આરોપ મૂક્યો હતો કે, જુલાઇ 2015માં કર્ણાટકમાં થયેલા સત્તાપરિવર્તનમાં કથિત જાસૂસી થઇ હતી. જો કે ફોન હેક થયાના કોઇ નક્કર પુરાવા નથી. આ માટે ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરા અને સીએમ કુમારાસ્વામીના પર્સનલ સેક્રેટરીઓના ફોન સંભવિત લક્ષ્યાંક હતાં. આ નંબરો એનએસઓની યાદીમાં મળી આવ્યા છે.
પેગાસસ જાસૂસીકાંડ મુદ્દે સતત બીજા દિવસે મંગળવારે વિપક્ષના સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં હંગામો કરતાં કામગીરી વારંવાર સ્થગિત કરવાની ફરજ પડી હતી. મંગળવારે સવારે રાજ્યસભામાં પેગાસસના મામલે ચર્ચા કરવા માટે વિપક્ષો દ્વારા અપાયેલી 15 નોટિસોને અધ્યક્ષે માન્ય ન ગણતાં વિપક્ષના સાંસદો વેલમાં ધસી આવીને નારાબાજી કરવા લાગ્યા હતા.
જેના પરિણામે રાજ્યસભાની કાર્યવાહી બે વાર સ્થગિત કરવાની ફરજ પડી હતી. લોકસભામાં પણ સવારથી જ વિપક્ષના હંગામાના કારણે બપોરે બે વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઇ હતી. લંચ બ્રેક બાદ 3 વાગ્યે ગૃહની કાર્યવાહીમાં અડચણો પેદા થતાં સ્પીકર ઓમ બિરલાએ આખા દિવસ માટે કામગીરી સ્થગિત કરી દીધી હતી. કોંગ્રેસ, ડાબેરી પક્ષો, સપા-બસપા, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના સહિતના તમામ વિપક્ષના સાંસદોએ પેગાસસ જાસૂસીકાંડની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરાવવાની ઉગ્ર માગ કરી છે.
કોંગ્રેસે જેપીસીની માગ કરતાં જણાવ્યું હતું કે, સરકાર ઇઝરાયેલના એનએસઓ ગ્રૂપને બચાવી રહી છે. અગાઉના આઇટી મંત્રી આ અંગે તપાસ ઇચ્છતા હતા પરંતુ હવે નવા મંત્રી તપાસ ઇચ્છતા નથી. ડાબેરી નેતા સીતારામ યેચૂરીએ જણાવ્યું હતું કે, સરકાર જણાવે કે એનએસઓ સાથે શું કરાર થયો હતો અને કોની કોની જાસૂસી ચાલી રહી હતી? સરકાર દેશને પોલીસ સ્ટેટ બનાવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સવાલ કર્યો હતો કે શું સરકારે ઇઝરાયેલ પાસેથી પેગાસસ સ્પાયવેર ખરીદ્યું હતું? જો ના તો ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકોના ફોન હેક કરાયા? આપના સાંસદ સંજયસિંહે માગ કરી હતી કે સુપ્રીમ કોર્ટ હેઠળ એક હાઇલેવલ એસઆઇટીની રચના કરીને આ મામલાની તપાસ થવી જોઇએ.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકાર જાસૂસી તંત્ર ચલાવી રહી છે. ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઇએ. સરકાર તેની વિરુદ્ધના તમામની જાસૂસી કરાવી રહી છે. આ માટે ન્યાયિક તપાસ થવી જોઇએ.
ભાજપના જ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલની પેગાસસ સ્પાયવેર કોર્મિશયલ કંપની છે જે પેઇડ કોટ્રાક્ટ પર કામ કરે છે. આવી સ્થિતિમાં ભારતમાં જાસૂસી માટે જો કેન્દ્ર સરકારે નાણા ચૂકવ્યા નથી તો કોણે ચૂકવ્યાં?
જાસૂસીકાંડ: ઇઝરાયલી જાસૂસી કંપની કોના વતી ભારતમાં કામ કરતી’તી?: ભાજપાના સાંસદનો સવાલ
સંસદની કાર્યવાહીને જાસૂસીકાંડનું ગ્રહણ