ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સિમોન કાટિચે આઇપીએલની બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ ફ્રેન્ચાઈઝીના કોચ તરીકે રાજીનામું આપી દીધું છે. કાટિચે અંગત કારણોને આગળ ધરતા આ નિર્ણય લીધો છે. હવે તેના સ્થાને ન્યૂઝિલેન્ડના ભૂતપૂર્વ કોચ જોન હેસન બેંગ્લોરના ચીફ કોચ તરીકે કામગીરી સંભાળશે. હેસન બેંગ્લોરની ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે કાર્યરત હતા અને હવે તેમની જવાબદારી બેવડાઈ છે.
બેંગ્લોરે બે શ્રીલંકન બોલરોને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાના એડમ ઝામ્પાનું સ્થાન શ્રીલંકન લેગ સ્પિનર હસારંગા લેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ડેનિયલ સેમ્સનું સ્થાન શ્રીલંકન ફાસ્ટર ચામીરા લેશે. હસારંગાએ 24 ટી-20 મેચોમાં 6.56ની સરેરાશથી 33 વિકેટ ઝડપી છે.
યુએઈ માટે રવાના થતાં અગાઉ ટીમના ખેલાડીઓ બેંગ્લોરમાં એકઠા થયા છે. જ્યાં તેઓ સાત દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેશે. આ દરમિયાન ત્રણ વખત તેમના કોરોનાના ટેસ્ટ થશે. ટીમ બેંગ્લોરથી 29મી ઓગસ્ટે યુએઈ જવા માટે રવાના થશે. અન્ય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ઓફિશિઅલ્સ તારીખ 29મી ઓગસ્ટે એકઠા થશે. યુએઈમાં ટીમ છ દિવસ ક્વોરન્ટાઈન રહેશે.
ટીમ ડેવિડ આઇપીએલમાં રમનારો સિંગાપોરનો સૌપ્રથમ ખેલાડી બનશે. બિગ બેશ લીગમાં ઝંઝાવાત જગાવનારા ટીમ ડેવિડને બેંગ્લોરની ટીમે કરારબદ્ધ કરી લીધો છે. તે બેંગ્લોરની ટીમમાં ન્યૂઝિલેન્ડના ફિન એલનનું સ્થાન લેશે. ઓસ્ટ્રેલિયન મૂળનો ટીમ ડેવિડ છ ફૂટ અને પાંચ ઈંચ ઊંચાઈ ધરાવે છે. તેણે 14 ટી-20 ઈન્ટરનેશનલમાં 158થી વધુના સ્ટ્રાઈક રેટની સાથે 558 રન ફટકાર્યા છે.