જામનગર શહેરમાં દિન-પ્રતિદિન વાયરલ કેસો વધી રહ્યા છે. શહેરમાં ઠંડીને કારણે તાવ, શરદી, ઉધરસ, શ્વાસના કેસોમાં ઉછાળો આવ્યો છે. હજુ પણ ઠંડી વધશે તો આ રોગના કેસોમાં ઉછાળો આવે તેવી શક્યતા ડોક્ટર દ્વારા જણાવવામાં આવી છે ત્યારે લોકો ઠંડીઓમાં પૂરતું ધ્યાન આપે અને શરીરની કાળજી રાખે તેવું જી. જી. હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા દ્વારા સુચન કરાયું છે.
જામનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ રોગોના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. અહીં સવારથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવારઅર્થે આવતા ઓપીડીની સંખ્યા 700 થી 900 સુધી પહોંચી છે. હાલ શિત ઋતુના કારણે તાવ, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીના જેવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. ગામડાંઓમાં પણ જે રીતે આ પ્રકારનો રોગચાળો વધી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં વધુ દર્દીઓ હોસ્પિટલમાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. જામનગરના શહેરના 12 જેટલા પીએચસી કેન્દ્રોમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા વધી છે. આજે સવારે પણ જી. જી. હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જો કે, બીજી તરફ ડેન્ગ્યુ, મલેરિયા જેવા પાણીજન્ય રોગચાળાના કેસો સામે આવ્યા નથી.
View this post on Instagram
હાલ જાન્યુઆરી મહિનાની શરૂઆતના દિવસોમાં જ કડકડતી ઠંડી પડવાની સાથે સાથે બેઠો ઠાર પણ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખે છે. હાજા ગગડાવતી ઠંડીમાં મનુષ્યની સાથે સાથે અબોલ પશુઓની પણ હાલત વધુ કથળી જાય છે. તેમજ ઠંડીમાં રસ્તા ઉપર રહેતાં લોકોને સેવાભાવીઓ દ્વારા રેનબસેરામાં આશ્રયસ્થાન આપવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે શિયાળની સીઝનમાં સાચી ઠંડીની શરૂઆત નવેમ્બર ડિસેમ્બર નહીં, પરંતુ જાન્યુઆરીના પ્રારંભથી થઇ છે. જામનગર સહિત સમગ્ર દેશભરમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે. કાતિલ ઠંડીની સાથે સાથે ઝાકળનું સામ્રાજ્ય પણ જોવા મળે છે. જેને કારણે ધોરીમાર્ગ પર વાહન ચલાવવા મુશ્કેલ બની જાય છે. આ ધુમ્મસના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળે છે. જામનગરમાં આજે સવારે નોંધાયેવા હવામાનના લઘુતમ તાપમાન 13 ડિગ્રી, મહત્તમ તાપમાન 24.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67% તથા પવનની ગતિ પ કિ.મી./પ્રતિકલાક રહી છે. જામનગર જિલ્લામાં ઠંડીની સાથે સાથે ફૂંકાઇ રહેલા કાતિલ પવન અને બેઠા ઠારને કારણે શરદી, ઉધરસ, તાવ, શ્વાસના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.


