ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ છે. બીજા દિવસની રમતના અંત સુધી ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 555 રન બનાવ્યા છે. ડોમ બેસ 28 રને અને જેક લીચ 6 રન બનાવીને અણનમ રહ્યો હતો. આજનો દિવસ પણ રુટના ખાતે રહ્યો. તે ભારતીય જમીન પર છેલ્લા 10 વર્ષમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ વિદેશી બેટ્સમેન બન્યો છે. તેણે 218 રનની ઇનિગ્સ રમી હતી.
ઇશાંત શર્માએ સતત બે બોલ પર 2 વિકેટ ઝડપી હતી. તેણે 170મી ઓવરના બીજા બોલ પર જોસ બટલર અને ત્રીજા બોલ પર જોફ્રા આર્ચરને આઉટ કર્યો હતો. બટલર 30 અને આર્ચર શૂન્ય પર આઉટ થયો હતો.
ભારતે છેલ્લી 60 ટેસ્ટમાં બીજી વખત ઈનિંગ્સમાં 500થી વધુ રન આપ્યા છે. અગાઉ 2016માં રાજકોટમાં રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 537 રન બનાવ્યા હતા. તે ઈંગ્લેન્ડના ભારત પ્રવાસની પ્રથમ ટેસ્ટ હતી અને તે ડ્રો રહી હતી.
રુટે રવિચંદ્રન અશ્વિનના બોલ પર સિક્સર ફટકારી હતી. આ ટેસ્ટ મળીને તેને છેલ્લી ત્રણ ટેસ્ટમાં 2 બેવડી સદી ફટકારી છે. આ પહેલા શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં તેણે 228 રનની ઈનિંગ્સ રમી હતી અને બીજી ટેસ્ટમાં 186 રનની ઈનિંગ્સ રમી હતી. તે સતત 3 કે તેથી વધુ ટેસ્ટમાં 150 રનની ઈનિંગ્સ રમાનાર દુનિયાનો 7મોં બેટ્સમેન બન્યો છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ 2007માં સૌથી વધુ સતત 4 ટેસ્ટમાં 150+ રનની ઈનિંગ્સ રમી હતી.