Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં સવા મહિના પહેલાં જ ચોમાસાના વરસાદનો કવોટા પૂરો

ગુજરાતમાં સવા મહિના પહેલાં જ ચોમાસાના વરસાદનો કવોટા પૂરો

સીઝનના સરેરાશ 850 મી.મી.સામે 851 મી.મી. વરસાદ વરસી ગયો

- Advertisement -

ચોમાસાનો વરસાદ ગુજરાતમાં ભરપૂર વરસ્યો હોય તેમ હજી સિઝનને સવા મહિનો બાકી છે તે પૂર્વે જ સરેરાશનો સો એ સો ટકા વરસાદ થઇ ગયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને બાદ કરતાં રાજ્યનાં અન્ય ત્રણેય ઝોનમાં સરેરાશ 100 ટકાથી વધુ પાણી વરસી ગયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ 850 મીમી વરસાદ થતો હોય છે તેની સરખામણીએ આજે સવારની સ્થિતિએ 851.61 મીમી પાણી વરસી ગયું છે. વરસાદ સીઝનનો 100.17 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. હજુ ચોમાસાની સિઝનને સવા મહિનો બાકી છે

- Advertisement -

એટલે ટકાવારી હજુ પણ ઉંચી જવાની શક્યતા છે. સૌથી વધુ 155.36 ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા, ઉતર ગુજરાતમાં 107.47 ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા તથા મધ્ય ગુજરાતમાં 82.28 ટકા વરસાદ પડ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ડબલ કરતાં પણ વધુ વરસાદ થઇ ગયો છે. ગત વર્ષે 23મી ઓગસ્ટની સ્થિતિએ 41.16 ટકા જ પાણી વરસ્યું હતું. જેની સરખામણીએ આ વર્ષે 100 ટકાથી અધિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દરમિયાન, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 148 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. મુખ્યત્વે ઉતર ગુજરાતમાં વરસાદનું જોર હતું અને મહેસાણામાં ધોધમાર 8 ઇંચ પાણી વરસ્યું હતું. કચ્છ ઝોનમાં સૌથી વધુ 155.36 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.31 તથા ઉતર ગુજરાતમાં 107.47 ટકા વરસાદ : સૌરાષ્ટ્રમાં 89.44 ટકા તથા મધ્ય ગુજરાતમાં 82.28 ટકા પાણી વરસ્યું. રાધનપુરમાં 5 ઇંચ, પાટણ તથા સરસ્વતીમાં 4-4 ઇંચ, બેચરાજીમાં 5 ઇંચ, વિસનગરમાં 4.5 ઇંચ, વિજાપુરમાં 4 ઇંચ, ઇડરમાં 4.5 ઇંચ, માણસામાં 4 ઇંચ વરસાદ મુખ્ય હતો. અન્યત્ર સાર્વત્રિક બેથી ત્રણ ઇંચ સુધી પાણી વરસ્યું હતું. કચ્છમાં પણ સાર્વત્રિક સવા ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાથી હળવો વરસાદ પડ્યો હતો.અમદાવાદના અનેક વિસ્તારોમાં મધરાત સુધી ધોધમાર વરસાદ થયો હતો. સરેરાશ એક ઇંચ પાણી વરસ્યું હતું. જો કે, કેટલાક વિસ્તારોમાં અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 255.92 મીમી વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ 48 કલાક દરમિયાન હળવા-ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 62 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. જ્યારે 126 તાલુકામાં 20 થી 40 ઇંચ, 62 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે. માત્ર એક જ તાલુકો એવો છે જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. સાર્વત્રિક સારા વરસાદને પગલે ગુજરાતમાં ખરીફ પેદાશોનું વાવેતર પણ જંગી નોંધાયું છે. રાજ્ય સરકારના સતાવાર આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા કૃષિ જમીનમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે. હજુ એરંડા સહિતની કૃષિ જણસીઓનું વાવેતર કેટલાક ભાગોમાં બાકી છે. આવતા દિવસોમાં તે પણ પૂર્ણ થઇ જવાની શક્યતા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular