લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. દેશના સૌથી મોટા આઇપીઓની લોન્ચિંગ તારીખ નક્કી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલઆઇસીનો આઇપીઓ 4 મેના રોજ લોન્ચ થશે અને 9 મે સુધી રોકાણકારો આ આઇપીઓમાં અરજી કરી શકશે. જાણવા મળ્યું છે કે, આ સંદર્ભે આજે એલઆઈસી બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં લોન્ચિંગની તારીખ પર મહોર મારવામાં આવશે. બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અગાઉ સરકાર દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં 5% હિસ્સો વેચવા જઈ રહી હતી, પરંતુ હવે સરકાર આઇપીઓ માટે માત્ર 3.5% હિસ્સો ઓફર કરશે. આઇપીઓ માટે એલઆઇસીનું વેલ્યૂવેશન રૂ. 6 લાખ કરોડ કરવામાં આવ્યું છે. તે હિસાબથી હવે આ આઇપીઓનું કદ રૂ. 21,000 કરોડ થશે. જોકે એક અધિકારીનું કહેવું છે કે જો બજારમાં માંગ સારી રહેશે તો સરકાર તેમાં 5% વધારો કરી શકે છે. જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીએ સેબીમાં ફાઈલ કરવામાં આવેલા ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં સરકારે 31.62 કરોડ શેર ઓફર કરવાનો પ્રસતાવ મૂક્યો હતો, જે કુલ ઈક્વિટી શેરના લગભગ પ ટકા હતો. નોંધનીય છે કે સરકારી વીમા કંપનીનો આ આઇપીઓ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પૂરો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલઆઇસી આઇપીઓના લોન્ચિંગમાં ઘણા મહિનાઓથી વિલંબ થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના અનેક કારણોસર બજારમાં છેલ્લા કેટલાક સમયથી વેચવાલી જોવા મળી રહી છે. આ જ કારણ છે કે એલઆઇસી આઇપીઓમાં વિલંબ થઈ રહ્યો છે.
આતુરતાનો અંત : 4 મે થી ખુલશે LIC LPO
હવે આ આઇપીઓનું કદ રૂા. 21,000 કરોડ રહેશે