જામનગર શહેરમાં ધન્વન્તરી ગ્રાઉન્ડ સામે પ્રાઈવેટમાં નોકરી કરતા બ્રાંચ મેનેજરને જિલ્લાની બીજી બ્રાન્ચમાં મોકલ્યાનો ખાર રાખી કર્મચારીએ ઢીકાપાટુનો માર મારી કડા વડે હુમલો કરી ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરમાં સ્વામિનારાયણનગર ડ્રીમ સીટીમાં રહેતાં ધનરાજભાઈ નવીનભાઈ સોઢા (ઉ.વ.31) નામનો યુવાન શ્રીરામ ફાયનાન્સ લીમીટેડ જામનગરમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતો હતો અને એક વર્ષ અગાઉ કંપનીના લોન ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા શિવરાજસિંહ ઝાલાને બીજા જિલ્લાની બ્રાંચમાં મોકલી દેવામાં આવ્યો હતો. તે બાબતનો ખાર રાખી શિવરાજસિંહ ઝાલાએ મંગળવારે બપોરના સમયે ધન્વન્તરિ ગ્રાઉન્ડ સામે બ્રાંચ મેનેજર ધનરાજને આંતરીને ગાળો કાઢી બદલી કરાવ્યાનો ખાર રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ હાથમાં પહેરેલ કડા વડે માથાના ભાગે ઘા ઝીંકી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ એ બી ચાવડા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.