ગુજરાતમાં કોરોના કે નો કોરોના ‘પીનારાઓ’ એટલે કે શરાબના પ્યાસીઓ માટે લોકડાઉન પણ નડયું નથી કે નવી કોઈ પ્રતિબંધાત્મક આદેશો નડયા અને શરાબનું ગેરકાનુની નેટવર્ક ખૂબ જ સરળતાથી ચાલી રહ્યું છે અને પોલીસે ઝડપેલા શરાબના જ આંકડા તપાસીએ તો રાજયમાં દર મિનીટે 11 શરાબ બોટલો ઝડપાઈ રહી છે. નોંધી લો ઝડપાઈ રહી છે અને ખરેખર ગુજરાતમાં ઠલવાતી બોટલોનો આંકડો તો આ સંખ્યાથી 11 ગણી વધુ હશે. કારણ કે કોઈપણ સીઝનમાં ગુજરાતમાં શરાબીઓને તેમની પસંદગીનો શરાબ મળી રહે છે. ગુજરાતમાં મુખ્યત્વે ઈન્ડીયન મેઈડ, ફોરેન લીકર એટલે કે જે વિદેશી બ્રાન્ડ છે તેની દેશી એડીશન ઘરઆંગણે જે લાયસન્સની અને ગેરકાનુની રીતે શરાબ બને છે તે ઉપલબ્ધ છે. ખરેખર વિદેશી બ્રાન્ની શરાબ તો અત્યંત મોંઘી અને તે ફાઈવ સ્ટાર હોટેલ જેવા રીટેલ આઉટલેટ પર મળે છે.
ગુજરાતમાં દેશી દારુનો ધંધો પણ ગૃહઉદ્યોગ જેવો છે અને તે વચ્ચે રાજય પોલીસે 2020માં રૂા.115 કરોડ અને 2021માં રૂા.124 કરોડનો દેશી-વિદેશી દારુ ઝડપી લીધો છે. જો કે મોટાભાગે તો વિદેશી બ્રાન્ડની બોટલોમાંજ પોલીસને રસ હોય છે દેશી દારૂ તો સ્થળ પર જ ઢોળી નાખીને નિકાલ કરી તેની ભઠ્ઠીઓ તોડી પડાય છે. રાજયમાં પ્રોહીબીશન એકટ હેઠળ નોંધાતા કેસો પણ વધતા જ રહ્યા છે. 2020માં આ પ્રકારે કુલ 1.53 લાખ કેસ વધ્યા હતા જે 2021માં 1.69 લાખ નોંધાયા હતા અને 2020માં 1.64 લાખ લોકોને બુટલેગર્સ તરીકે ઝડપવામાં આવ્યા હતા અને 2027માં 1.67 લાખની સામે કેસ વધ્યા હતા. 2020 માં લોકડાઉન હતું છતાં પણ 2021 જેટલા જ કેસ નોંધાયા હતા તે નોંધ લેવી જોઈએ જેમાં હજું 21853 આરોપીઓને ઝડપી શકાયા નથી. જો કે રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા કહે છે કે પોલીસની સતર્કતાથી અમો શરાબને ગુજરાતમાં જે રીતે ઠાલવવામાં આવે છે તેને મોટી બ્રેક આવી શકયા છે અને રાજયમાં જે ટ્રક દાખલ થાય છે તેને તમામને ચેક કરવાનું શકય પણ નથી છતાં રાજયનું પોલીસ દળ એલર્ટ છે અને બાતમીના આધારે પણ કાર્યવાહી થાય છે.