પીજીવીસીએલ દ્વારા જામનગર શહેર તથા જામજોધપુર તાલુકામાંથી વધુ 56.25 લાખની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 93 જેટલા વીજ જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાઈ હતી.
વર્ષ 2024ના અંતિમ દિવસોમાં હાથ ધરાયેલી વીજ ચેકિંગ કાર્યવાહી 2025 ના પ્રથમ દિવસે પણ અવિરત ચાલુ રહી હતી. પીજીવીસીએલ દ્વારા છેલ્લાં ત્રણ દિવસથી અધિક્ષક ઈજનેરની સુચના અને માર્ગદર્શન હેઠળ વીજચોરીના દુષણને ડામવા માટે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે પીજીવીસીએલની 46 જેટલી ટુકડીઓ દ્વારા વીજચોરો વિરૂધ્ધ ઘોસ બોલાવી હતી. જામનગર શહેરના સનસીટી, એસ ટી ડીવીઝન, નગરસીમ નવી વિકસિત સોસાયટી, હાપા યાર્ડ વિસ્તાર, ગોકુલધામ, કર્મચારીનગર, ધોરીવાવ સહિતના વિસ્તારો ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળિયા, તરસાઈ, સખપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની 46 જેટલી ટીમો દ્વારા 12 લોકલ પોલીસ તથા 14 એસઆરપી જવાનોના બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધર્યુ હતું.
આ ચેકિંગ દરમિયાન 543 જેટલા વીજ જોડાણો ચેક કરાયા હતાં. જે પૈકી 93 જોડાણોમાંથી 56.25 લાખની વીજ ચોરી ઝડપી લેવાઈ હતી અને પૂરવણી બીલો ફટકારવામાં આવ્યા હતાં.