જામનગર શહેરમાં યાદવ નગર વિસ્તારમાં ફ્લોર મિલ સંચાલકના મકાન અને ફ્લોરમિલમાં વીજતંત્રની ટુકડીએ વીજ પોલીસની ટીમને સાથે રાખીને દરોડામાં કુલ 6,97,533.12 ની વિજચોરી ઝડપાઈ છે. જે વીજ ગ્રાહકને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લીધો છે. પોતે કઈ રીતે પાવર ચોરી કરતો હતો તે સમગ્ર હકીકત જાણવા માટે રિમાન્ડ મેળવાયા છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં વુલનમિલ રિંગ રોડ પર યાદવ નગરમાં ફ્લોર મિલ ચલાવતા ભીમશીભાઈ હાજાભાઈ કંડોરીયા ના ભાડા ના મકાન અને ફ્લોર મીલમાં વીજ ચોરી થતી હોવાની માહિતીના આધારે જામનગર પીજીવીસીએલ ની ટુકડીએ વીજ પોલીસ સ્ટેશનના પી.આઇ.જે.પી.વરિયા તથા વીજ પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ.એમ.કે.અપરનાથી તેમજ સ્ટાફ રણજીતસિંઘ લુબાના સહિતનાએ દરોડા દરમિયાન ફ્લોર મિલમાં વિજ મીટરના આંતરિક ભાગમાં વાયર સાથે ચેડાં કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી ફ્લોર મિલના સંચાલકને રૂા.6,97,533 વીજ બિલ ફટકાર્યા ઉપરાંત તેને રૂા.1.88 લાખનો કમ્પાઉન્ડ ચાર્જ ભરવાનું જણાવ્યું હતું, પરંતુ તે રકમ જમા કરાવી ન હોવાથી જામનગરના વીજ પોલીસ મથકમાં પાવર ચોરી અંગેની ફરિયાદ નોંધી અદાલત રજૂ કરી રિમાન્ડ પર લેવાની માંગણી કરવામાં આવી હતી. કઈ રીતે પાવર ચોરી કરાતી હતી અને વિજ મીટરમાં આંતરિક ભાગમાં વાયર પસાર કરાવી લીધા પછી વીજચોરી કરવામાં આવી રહી હોવાની વિગતો ના આધારે રિમાન્ડ મેળવાયા હતા. વીજ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવવા આવી રહી છે અને અદાલતે બે દિવસની પોલીસ રિમાન્ડની માંગણી મંજૂર કરી હતી.