જામનગર શહેર-જિલ્લામાં વિજચોરીના દુષણને નાથવા પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે શનિવારે કલ્યાણપુર તાલુકા તથા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પીજીવીસીએલની ટીમે કુલ 80 વિજ જોડાણોમાંથી 44 લાખની વિજ ચોરી ઝડપી લીધી હતી.
પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ દ્વારા હાલાર પંથકમાં વિજ ચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે શનિવારના રોજ પીજીવીસીએલની કુલ 45 ટીમ દ્વારા ધ્રોલ તાલુકાના માજોઠ, ધ્રોલ, કલ્યાણપુર તાલુકાના બાકોડી, કેશવગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જામનગર શહેરના કાલાવડ નાકા બહાર, જેલ રોડ, વલ્લભનગર, ગોકુલનગર, ઢીંચડા રોડ સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 586 વિજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં. જે પૈકી 80 વિજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતાં રૂા. 44 લાખના વિજ બીલો ફટકારવામાં આવ્યા હતાં.