જામનગર પીજીવીસીએલ દ્વારા છેલ્લાં એક સપ્તાહથી વીજચોરીના દૂષણને ડામવા વીજચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શનિવારે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પીજીવીસીએલ દ્વારા 50 જેટલા વિજજોડાણોમાં ગેરરીતિ ઝડપી લઇ રૂા.16.86 લાખની વીજચોરીના બીલો ફટકાર્યા હતાં.
જામનગર પીજીવીસીએલના અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શનિવારે જામનગર શહેરના ભીમવાસ, નવાગામ, મધુરમ સોસાયટી, ટીટોડીવાડી, અકબશાહ ચોક, ખોજાનાકા, એમ.પી.શાહ ઉદ્યોગનગર, શંકરટેકરી જીઆઈજીડીસી સહિતના વિસ્તારોમાં 22 લોકલ પોલીસ, ચાર એસઆરપી તેમજ વીડિયોગ્રાફરોનીફ ટીમને સાથે રાખી પીજીવીસીએલની 38 જેટલી ટૂકડીઓ દ્વારા વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજચેકિંગ દરમિયાન કુલ 414 જેટલા વીજ જોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં. તેમાંથી 50 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.16.86 લાખના બિલો વીજ બીલો ફટકારવામાં આવ્યાં હતાં.