માર્ચ મહિનો પૂરો થતા જ જામનગર શહેરમાં વીજ કંપનીની ચેકિંગ ટુકડીઓ ફરી સક્રિય બની છે. એક દિવસ પહેલાં બેડીમાં ચાલતી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મોટી વીજ ચોરી પકડાયા બાદ વીજ કંપનીની 30 ટૂકડીઓએ આજે જામનગર શહેરના સિટી ડીવીઝન 1 ના વિસ્તારો જેવા કે રામેશ્ર્વરનગર, વિનાયક પાર્ક, નવજીવન સોસાયટી, ગુલાબનગર, રામવાડી, રવિ પાર્ક વગેરે વિસ્તારોમાં ચેકિંગની ધોંસ બોલાવી હતી. વીજ કંપનીની ચેકિંગ ટુકડીઓએ જામનગર શહેર ઉપરાંત અડીને આવેલા ધુંવાવ, હાપા વિસ્તારમાં પણ વીજ ચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગની આ કાર્યવાહી દરમિયાન ટુકડીઓ સાથે એસઆરપીના 16 જવાનો, સ્થાનિક પોલીસના 21 જવાનો પણ સાથે રહ્યાં હતાં. જ્યારે સમગ્ર ચેકિંગ કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવા માટે ત્રણ વીડિયોગ્રાફરને પણ સાથે રાખવામાં આવ્યા છે. દરમિયાન બેડીમાં નાઈટ ક્રિકેટમાંથી ઝડપાયેલી વીજ ચોરી અંગે ટૂર્નામેન્ટના આયોજકને વીજ કંપની દ્વારા 40 લાખની ચોરીનું આકારણી બીલ ફટકારવામાં આવ્યું છે.