દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તેમજ ભાણવડ પંથકમાં પીજીવીસીએલની 32 ટીમો દ્વારા પોલીસ બંદબોસ્ત સાથે વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર શહેરના જુદા જુદા વિસ્તારના વીજ તંત્ર દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કુલ 49.20 લાખ ચોરી પકડી પાડવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ત્રીજા દિવસે પીજીવીસીએલની 32 ટીમો અને 12 એસઆરપી તથા 20 લોકલ પોલીસ અને 7 એકસ આર્મીમેન તથા 03 વીડિયોગ્રાફરો સાથે ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં જામનગર પીજીવીસીએલ અધિક્ષક નેજા હેઠળ સોમવારથી બન્ને જિલ્લાઓમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત સોમવારે ખંભાળિયા ગેટ સબ ડિવિઝન, જામનગર રૂરલ સબ ડિવિઝન, જીઆઇડીસી સબ ડિવિઝન તેમજ સીટી -2 ડિવિઝન હેઠળ ની 36 ટીમો દ્વારા એસઆરપીના 12 જવાનો, ઉપરાંત 17 લોકલ પોલીસ, 08 નિવૃત આર્મીમેન અને ત્રણ વિડીયોગ્રાફરા સાથેના બંદોબસ્ત વચ્ચે શહેરના 49 દિગ્વિજય પ્લોટ, જેલ રોડ, હનુમાન ટેકરી, વિશ્રામ વાડી, 58 દિગ્વિજય પ્લોટ, ઉપરાંત આસપાસના દરેડ જીઆઇડીસી વિસ્તાર, કનસુમરા અને મસીતીયા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 485 વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 84 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ 28.85 લાખના વિજબીલ ફટકારવામાં આવ્યા હતાં.
મંગળવારે જામનગર શહેરમાં પીજીવીસીએલની 32 ટુકડીઓ દ્વારા 12 એસઆરપી અને 20 લોકલ પોલીસ તથા 8 એકસઆર્મી મેન સાથેના બંદોબસ્ત જામનગર શહેરના બેડી, બેડી બંદર રોડ, દરબારગઢ, રંગુનવાલા હોસ્પિટલ પાસેનો વિસ્તાર, પાંચ હાટડી, ધુંવાવ અને હાપા કોલોની એરિયામાં ચેકિંગમાં કુલ 394 જોડાણો તપાસતા 76 માં ગેરરીતિ મળી આવતા 20.35 લાખના બિલો ફટકારવામાં આવ્યાં હતાં. આમ, બે દિવસ દરમિયાન 160 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાતા 49.20 લાખના બિલો ફટકારવામાં આવ્યાં હતાં.