દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા વિસ્તારમાંથી ગઈકાલે સાંજે એક ઇલેક્ટ્રીક ઉપકરણ જોવા મળ્યું હતું. જે અંગે વ્યાપક ચર્ચાઓ વચ્ચે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
યાત્રાધામ દ્વારકામાં આવેલા સનસેટ પોઇન્ટ વિસ્તારમાં એક ઈલેક્ટ્રીક ઉપકરણ જેવી ચીજવસ્તુ પડી હોવા અંગેની માહિતી સ્થાનિકો દ્વારા પોલીસને આપવામાં આવી હતી. આ શંકાસ્પદ ચીજ સંદર્ભે દ્વારકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને દરિયા કિનારે રહેલું આ યાંત્રિક ઉપકરણ પોલીસે કબજે કર્યું હતું.
આ અંગે પોલીસે વિવિધ દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ઉપકરણ સંભવિત રીતે હવામાન વિભાગનું હોવા અંગેનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સમગ્ર દ્વારકા પંથકમાં વ્યાપક અટકળો અને અનુમાનનો દોર ચાલ્યો છે. ત્યારે આ ઈલેક્ટ્રીક વસ્તુ શું હશે? તે જાણવા પણ લોકોની ઇન્તેઝારી જોવા મળી હતી.