તાજેતરમાં ઇલેકટ્રીક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાને કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે ગંભીરતાથી લીધી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ઇલેકટ્રીક સ્કૂટરની આગની આ ઘટનાઓ અંગે ડીઆરડીઓને તપાસ કરવા જણાવ્યું છે. પુનામાં બે દિવસ પહેલાં ઓલા ઇલેકટ્રીક સ્કૂટરમાં આગની ઘટના સામે આવી હતી. આ પહેલાં ઓકિનાવાના સ્કૂટરમાં પણ આગ લાગી હતી. આ બંન્ને ઘટનાઓએ ઇલેકટ્રીક સ્કૂટરમાં સલામતીના પગલાં અને ધોરણો સામે સવાલ ઉભા કર્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે હરકતમાં આવી તપાસના આદેશ આપ્યા છે.
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સેન્ટર ફોર ફાયર એક્સપ્લોઝિવ એન્ડ એન્વાયરમેન્ટ સેફ્ટી યુનિટમાં પૂણેમાં ઓલા સ્કૂટર અને વેલ્લોરમાં ઓકિનાવા સ્ફટરમાં આગ લાગવાની ઘટનાની તપાસ કરશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે સીએફઇઇએસને ઘટનાનું કારણ તેમજ આવી ઘટનાઓને રોકવા માટે વધુ સારા પગલાં ભરવા સૂચવવામાં આવ્યું છે.
અગાઉ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના સચિવ, ગિરધર અરમાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સરકારે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગની તપાસના આદેશ આપ્યા છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના સ્વતંત્ર નિષ્ણાતો આ ઘટનાની તપાસ કરશે અને તેમનો અહેવાલ મંત્રાલયને સુપરત કરશે.
શનિવારે મહારાષ્ટ્રના પુણેના ધનોરી વિસ્તારમાં ઓલા સ્ફૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારથી લોકોમાં ઈલેક્ટ્રિક વાહનોની સુરક્ષાને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
સૂત્રોએ એ પણ માહિતી આપી હતી કે સરકાર ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને આ ઘટના પાછળનું કારણ જાણવા માટે ઊંડી તપાસ કરવા જણાવ્યું છે. દરમિયાન બેંગ્લોરની ઓલા ઈલેક્ટ્રીક તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કંપની એક-બે દિવસમાં આ તપાસ સંબંધિત અપડેટ્સ જાહેર કરશે. કંપની આ સ્કૂટરના ગ્રાહક સાથે પણ સંપર્કમાં છે.