કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તથા જી.પી.સી.બી. ગાંધીનગરના ચેરમેન આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં બારડે મતદાર યાદીને લગતા વિવિધ માપદંડોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકમાં રોલ ઓબ્ઝર્વર બારડે ઉપસ્થિત વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ પાસેથી હાલના મતદારયાદી સુઘારણા કાર્યક્રમ દરમ્યાન મહિલા મતદારોની નોંધણી, જિલ્લાના જેન્ડર રેશિયોમાં થયેલ સુધારો, વસ્તી ગણતરીમાં નોંંધાયેલ કુલ વસ્તી તેમજ મતદારયાદીમાં નોંધાયેલા મતદારો મુજબ ઈ.પી. રેશિયોમાં થયેલ સુધારો, 18-19 તેમજ 20-29 વયજૂથના યુવા મતદારોની નોંધણીમાં થયેલ વધારો વગેરે જેવી મતદાર યાદી સંબંધીત વિગતો મેળવી હતી તેમજ તબક્કા વાર દરેક માપદંડો ચકાસી વિવિધ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી, લક્ષ્યાંકો સહિતની બાબતે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જામનગર કે.એસ.ગઢવી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દેવભૂમિ દ્વારકા આસ્થા ડાંગર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદર હેતલ જોશી તથા ઉપરોક્ત તમામ જિલ્લાના મતદાર નોંઘણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.