દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજરોજ મંગળવારે સવારે અહીંની તાલુકા પંચાયત ખાતે યોજાઈ હતી. 24 સભ્ય સંખ્યા ધરાવતી ખંભાળિયા તાલુકા પંચાયત તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 13, કોંગ્રેસના 9 તથા આમ આદમી પાર્ટી અને અપક્ષના એક- એક ઉમેદવારો વિજેતા બન્યા છે.
આજરોજ અહીંની તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર રાઠોડના અઘ્યક્ષસ્થાને યોજાઇ ગયેલી પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે રામદેભાઈ કરમુર, ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા તથા કારોબારી ચેરમેન તરીકે રસિકભાઈ લાલજીભાઈ નકુમના નામ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફે પ્રમુખ પદ માટે યોગેશભાઈ નંદાણીયા અને ઉપપ્રમુખ પદ માટે રંભીબેન હડિયલના ફોર્મ ભરવામાં આવ્યા હતા.
આજરોજ યોજવામાં આવેલી તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો રામદેભાઈ પબાભાઈ કરમુર અને વિરન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજાને પ્રમુખ- ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે મહત્વના એવા કારોબારી ચેરમેનને હોદ્દા પર રસિકભાઈ નકુમ અને શાસક પક્ષના નેતા તરીકે ભાનુબેન દેવજીભાઈ કછટીયા અને દંડક તરીકે ભાવસિંહ જાડેજાની પણ વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપના 13 સભ્યોને આમ આદમી પાર્ટી તથા અપક્ષ સભ્યોનો ટેકો સાંપડયો હતો. જેથી 9 વિરૂદ્ધ 15 મત મેળવીને ભાજપના ઉમેદવારોને આગામી પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારો સાથે ગ્રામજનો અને ભાજપના આગેવાનો- હોદ્દેદારોનું વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં આગામી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આમ, ભાજપ દ્વારા ખંભાળિયા તાલુકા પંચાયતમાં આ ટર્મ પણ પોતાનું શાસન રાખવામાં આવ્યું છે.