રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025 અંતર્ગત જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. 22 જૂન, 2025 ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે, તેમજ આ ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.25 જૂન, 2025 ના રોજ મતગણતરી થશે.
આ ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત, જામનગર જિલ્લામાં 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે જે પૈકી 266 ગ્રામ પંચાયતોમાં સામાન્ય-વિભાજન-મધ્યસત્ર તેમજ 61 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પ્રક્રિયા યોજાશે.
આ ચૂંટણી પ્રક્રિયા માટેનું જાહેરનામુ તા.02 જૂન, 2025 ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખ 09 જૂન, 2025 છે જ્યારે ઉમેદવારી પત્રકોની ચકાસણી તા.10 જૂન, 2025 ના રોજ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તા.11 જૂન, 2025 છે.તા.22 જૂન, 2025 ના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન થશે.
આ ચૂંટણી જિલ્લામાં 641 મતદાન મથકો પર યોજાશે.જે માટે 82 ચૂંટણી અધિકારી તથા 299 મદદનીશ ચૂંટણી અધિકારીઓની જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નિમણૂક કરાઈ છે.જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે યોજાય તે માટે 3,036 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.સાથે જ આ ચૂંટણીમાં 2,25,105 પુરુષ તથા 2,12,322 સ્ત્રીઓ મળી 4,37,427 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ માટે જામનગર તાલુકામાં અનુસૂચિત જાતિ માટે 5, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 18, સામાન્ય માટે 42 મળી 65 બેઠકો પર, કાલાવડ તાલુકામાં અનુસૂચિત જાતિ માટે 9, અનુસૂચિત આદિજાતિ માટે 1, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 19, સામાન્ય માટે 43 મળી 72 બેઠકો પર, લાલપુર તાલુકામાં અનુસૂચિત જાતિ માટે 3, અનુસૂચિત આદિ જાતિ માટે 1, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 13, સામાન્ય માટે 30 મળી 47 બેઠકો પર ચૂંટણી થશે.જામજોધપુર તાલુકામાં અનુસૂચિત જાતિ માટે 6, અનુસૂચિત આદિ જાતિ માટે 3, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 9, સામાન્ય માટે 16 મળી 34 બેઠકો પર, ધ્રોલ તાલુકામાં અનુસૂચિત જાતિ માટે 3, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 6, સામાન્ય માટે 15 મળી 24 બેઠકો પર ચૂંટણી થશે.જ્યારે જોડિયા તાલુકામાં અનુસૂચિત જાતિ માટે 1, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 6, સામાન્ય માટે 17 મળી 24 બેઠકો પર સરપંચ માટેના હોદ્દાની ચૂંટણી થશે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાની ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોમાં આદર્શ આચાર સંહિતા અમલી છે.


