ચૂંટણી પંચ આજે શુક્રવારે સાંજે 4:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. 5 રાજયોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા જણાઈ રહી છે. આ રાજ્ય પશ્ચિમ બંગાળ. તામિલનાડુ, આસામ, કેરલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરી છે.
રાજ્યમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે. 2016ની ચૂંટણીમાં TMCએ 211 બેઠકો જીતી હતી. ડાબેરી અને કોંગ્રેસનું ગઠબંધન 76 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. રાજ્યમાં આ વખતે સમગ્ર તાકાત લગાવી રહેલા ભાજપ માત્ર 3 સીટોં જ મેળવી શક્યું હતું. અન્યના ખાતામાં 4 બેઠક આવી હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 42માંથી 28 સીટોં જીતી હતી. એટલા માટે વિધાનસભાની ચુંટણીમાં પાર્ટીએ સમગ્ર તાકાત લગાવી દીધી છે. આ વખતે ચૂંટણી TMC વી. BJP થઈ ગઈ છે. અહીં કોંગ્રેસ, ડાબેરીઓ અને ભારતીય સેક્યુલર મોરચા વચ્ચેનું જોડાણ નિશ્ચિત છે. ફુરફુરા શરીફના ભારતીય સેક્યુલર મોરચાને 30 બેઠકો આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 6 થી 7 તબક્કામાં મતદાન યોજાઇ શકે છે.
આસામમાં 126 બેઠકો પર ચૂંટણી યોજાશે: ગત વખતે એટલે કે વર્ષ 2016માં અહીં ભાજપની સરકાર બની હતી. તેને 86 બેઠકો મળી હતી. કોંગ્રેસને 26 બેઠકો મળી અને એઆઈયુડીએફને 13 બેઠકો મળી હતી. અન્ય પાસે 1 બેઠક હતી.
તામિલનાડુમાં 234 વિધાનસભા બેઠક: અહીં 134 બેઠકો જીતીને AIDMK ગઠબંધને સરકાર બનાવી હતી. ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને 98 બેઠક મળી હતી.
કેરળમાં 140 બેઠકો પર સંગ્રામ: દેશમાં લેફ્ટનો છેલ્લો ગઢ બનેલા કેરળમાં 140 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. અહીં લેફ્ટ પાર્ટીઓ અને કોંગ્રેસનાં ગઠબંધનની સરકાર છે. લેફ્ટની 91 અને કોંગ્રેસની 47 બેઠક છે. ભાજપ અને અન્યના ખાતામાં 1-1 બેઠક છે.
પુડ્ડુચેરીમાં 30 વિધાનસભા બેઠકો: પુડ્ડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશની 30 બેઠકો છે. અહીં વિધાનસભામાં 3 નામાંકિત સભ્યો હોય છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર હતી, પરંતુ ગયા અઠવાડિયે જ ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી હતી. જે કારણે સરકાર પડી ગઈ હતી. CM નારાયણસામીને રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં અહીં રાષ્ટ્રપતિ શાસન લાગું છે.
2016માં કોંગ્રેસે અહીં 19 બેઠકો જીતી હતી. AINRC, AIADMKએ 4-4 બેઠક જીતી હતી. ભાજપના 2 નામાંકિત સભ્યો હતા. ગત સપ્તાહે કોંગ્રેસનાં 7 સભ્યોએ રાજીનામું આપી દીધું હતું. જેથી અહીની સરકાર પાસે માત્ર 12 ધારાસભ્ય જ બચ્યા હતા અને ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ બહુમત સાબિત કરી શક્યું નથી.


