Thursday, December 12, 2024
Homeરાજ્યગુજરાતમફત...મફત...મફત...ગુજરાતમાં લાગ્યું ચૂંટણી સેલ

મફત…મફત…મફત…ગુજરાતમાં લાગ્યું ચૂંટણી સેલ

- Advertisement -

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂકયું છે. ત્યારે રાજય સરકાર ચૂંટણીઓ પહેલાં જુદા-જુદા વિભાગના સરકારી કર્મચારીઓની નારાજગી દૂર કરવાના કામમાં લાગી છે. બીજી તરફ ભાજપને સત્તા પરથી ખદેડવા માટે મેદાને પડેલી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે મતદારોને રિઝવવા દિવાળી પહેલાં જ મફત રેવડીનું સેલ લગાવી દીધું છે. ભાજપને હરાવવા માટે મેદાને પડેલી બન્ને વિપક્ષી પાર્ટીઓ મફત રેવડી આપવની બાબતમાં એકબીજાની સ્પર્ધા કરવા લાગી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે છેલ્લા એક મહિનાથી ગુજરાના જુદા-જુદા વિસ્તારોમાં તાબડતોબ પ્રવાસ કરી લોકોને મફત વિજળી, બેરોજગારી ભથ્થું, ખેડૂતોના દેવા માફ કરવા જેવા વચનોની લ્હાણી કરી છે. મફત આપવાની બાબતમાં કોંગ્રેસ જાણે કે પાછળ રહી જતી હોય તેમ ગઇકાલે અમદાવાદમાં યોજાયેલા પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રીતસર મફતનું ચૂંટણી સેલ લગાવી દીધું હતું. તેમણે પણ આમ આદમી પાર્ટીની જેમ જ 300 યુનિટ મફત વિજળી, પ00માં ગેસ સિલિન્ડર, દૂધમાં પાંચ રૂપિયાની સબસીડી, કોરોના મૃતકોના પરિજનોને 4 લાખની સહાય, ખેડૂતોનું 3 લાખનું દેવું માફ, 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવી જેવા વચનોની છૂટથી લ્હાણી કરી હતી. આમ ગુજરાતમાં ચૂંટણી પહેલાં મફતની રેવડી ચર્ચાનો વિષય બની ગઇ છે. બન્ને વિપક્ષી પાર્ટીઓએ છૂટથી મફતનું સેલ લગાવ્યું હોય ગુજરાતના લોકો પણ વિમાસણમાં પડી ગયા છે. કયાં સેલમાંથી ખરીદી કરવી અથવા તો માલ લેવો તેને લઇને ભારે રસાકસી જામવાના એંધાણ સાંપડી રહયા છે.

- Advertisement -

બીજી તરફ સત્તાપક્ષ ભાજપાએ હજુ પોતાના પત્તા ખોલ્યા નથી. ચૂંટણી નજીક આવતાં જ રાબેતા મુજબ સરકારના જુદા-જુદા વિભાગના કર્મચારીઓ અને તેમના સંગઠનો પોતાની માંગણીઓ મનાવવા માટે સરકારનું નાક દબાવવાના કામમાં લાગી ગયા છે. આવી સ્થિતિમાં રાજય સરકાર સૌથી પહેલાં કર્મચારીઓની નારાજગી દૂર કરવા માટે ધંધે લાગી છે. એક આગ ઠારે ત્યાં બીજી આગ લાગતા સરકારના પાંચ મંત્રીઓને ડેમેજ કંટ્રોલના કામમાં લગાડી દેવામાં આવ્યા છે. રાજયમાં ભાજપા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંકટ મોચન હોય તેમના આટા ફેરા પણ ગુજરાતમાં વધી ગયા છે. સ્થાનિક નેતાગીરી રાજયમાં પૂન:સત્તા પ્રાપ્ત કરવા માટે પ્રધાનમંત્રી પર મોટી આશા લગાવીને બેઠી છે. તેમજ સાથે-સાથે બન્ને વિપક્ષી પાર્ટીઓએ લગાવેલાં મફતના સેલનો તોડ કાઢવા માટે પણ ભાજપામાં ઉચ્ચ લેવલે મંથન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ મફતની રેવડી સામે લોકોનું જનમાનસ બદલવા માટેની ચોકકસ રણનીતિ ઘડવામાં આવી રહી છે. તેમજ 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તા સ્થાને હોય થોડો ઘણો એન્ટી ઇન્કમબન્સીનો ખતરો પણ તોળાઇ રહ્યો હોય તેની સામે પણ ચોકકસ સ્ટ્રેેટેજી જરૂરી બની ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular