જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સોસાયટીમાં રહેતાં પ્રૌઢાના ઘરમાં ઘુસી આવેલા અજાણ્યા લૂંટારુઓએ આયુર્વેદિક દવા આપવાના બહાને માર મારી મોઢે કપડુ ભરાવી દોરડા વડે બાંધી દીધા હતાં અને રૂા.14 લાખની માલમતાની લૂંટ ચલાવી નાશી ગયેલા લૂંટારૂઓની શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી તારમામદ સોસાયટીના પ્લોટ નંબર-26 માં રહેતા ફરીદાબેન મુસ્તફાભાઈ અતરીયા નામના પ્રૌઢા ગઈકાલે સોમવારે બપોરના સમયે તેના ઘરે હતાં તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ આવીને આયુર્વેદિક દવા આપવાનું કહી પ્રૌઢાના ઘરમાં ઘુસી ગયા હતાં અને ત્યારબાદ પ્રૌઢાને લાતો મારી પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી મોઢે કપડુ ભરાવી દીધું હતું અને દોરી વડે હાથ-પગ બાંધી બીજા રૂમમાં ગેરકાયદેસર અટકાયત કરી દીધા હતાં તેમજ ઘરમાં રહેલાં માસુમ બાળકને માર મારી રસી વડે બંધક બનાવી દીધો હતો. ત્યારબાદ લુંટારુઓએ પ્રૌઢાએ ગળામાં પહેરેલી રૂા.55 હજારની કિંમતના 12 ગ્રામ સોનાના ચેઈનની લૂંટ કરી હતી. તેમજ બાજુમાં રૂમમાં રહેલી તિજોરી ખોલીને તેમાંથી રૂા.1 લાખની રોકડા તથા રૂા.5,50,000 ની કિંમતનું સોનાનું 10 તોલાનું બીસ્કીટ, અને રૂા.28,000 ની કિંમતની 6 ગ્રામની સોનાની બુટી અને રૂા.12500 ની કિંમતની ત્રણ ગ્રામની સોનાની બે ગીની, તેમજ સોનાની ચાર બંગડી નવા તથા જૂના ભાવની મળી કુલ રૂા.6,60,000 તેમજ રૂા.2 હજારની કિંમતની માણેકવાડી ચાંદીની વીટી મળી કુલ રૂા.14,07,500 ની કિંમતની માલમતાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં.
ધોળેદિવસે ઘરમાં ઘુસેલા બે લૂંટારુઓએ પ્રૌઢા અને બાળકને બંધક બનાવી રોકડ તથા દાગીનાની લૂંટના બનાવથી શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એક તરફ નવા વર્ષની ઉજવણી સંદર્ભે પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ધોળે દિવસે ઘરમાં ઘુસી બે લૂંટારુઓ દ્વારા પ્રૌઢા અને બાળકને બંધક બનાવી રૂા.14 લાખ જેટલી માલમતાની લૂંટના બનાવે પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે. લૂંટના બનાવની જાણ થતા પીઆઈ એન.એ. ચાવડા તથા પીએસઆઇ વી આર. ગામેતી સહિતનો પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને પ્રૌઢા તથા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવમાં ભોગ બનનાર ફરીદાબેનના નિવેદનના આધારે પોલીસે બે અજાણ્યા લૂંટારુઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવા નાકાબંધી કરી હતી.