જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામના પાટિયા પાસે રસ્તો ક્રોસ કરવા જતાં વૃઘ્ધાને પુરપાટ આવી રહેલી ઇકો કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલા જૂની મચ્છી પીઠમાં રહેતાં જેતુનબેન જીકરભાઇ બારોયા (ઉ.વ.65) નામના વૃઘ્ધા ગત્ તા. 21ના રોજ સાંજે આઠ વાગ્યાના અરસામાં જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઇ ગામના પાટિયા નજીક રસ્તો ક્રોસ કરવા જતા હતા તે દરમ્યાન જામનગર તરફથી પુરપાટ વેગે આવી રહેલી જીજે27-જેએચ-3304 નંબરની ઇકો કારના ચાલકે વૃઘ્ધાને ઠોકરે ચઢાવતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વૃઘ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું શનિવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર સલીમભાઇ બારોયા દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. ટી. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ, મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.


